- ગુજરાત હાઇકોર્ટમાં કોરોના મુદ્દે થઇ સુનાવણી
- અમદાવાદ મનપા રાજ્ય સરકારના દિશા નિર્દેશોની અનદેખાઈ ન કરે તે સુનિશ્ચિત કરે - હાઇકોર્ટ
- આગામી સુનાવણી 11 મે ના રોજ યોજાશે
અમદાવાદ : મંગળવારના રોજ યોજાયેલી સુનવણીમાં મનપા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સિનિયર એડવોકેટ્સની અરજીઓ અને સોગંદનામાની રજૂઆતો જોઈને હાઇકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે, અમદાવાદ મનપા રાજ્ય સરકારના દિશા નિર્દેશોની અનદેખાઈ ન કરે તે સુનિશ્ચિત કરે. અમદાવાદ મનપાના આવા નિર્ણયોને બિલકુલ પણ સહન ન કરવામાં આવે, તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. આ અંગે આગામી સુનવણી 11 મે ના રોજ કરવામાં આવશે.
વકીલોએ શું રજૂઆત કરી?
પરસી કાવીના, સિનિયર એડવોકેટ
સિનિયર એડવોકેટ પરસી કાવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સાયલામાં વેન્ટિલેટરની સુવિધા નથી. ધન્વંતરી વાન કે જેમાં મોટાભાગની સુવિધા ઉભી કરવામાં આવી છે, તે PHC સેન્ટરના છાંયડે ઉભી હોય છે. ગામડાઓની વાત તો ઠીક પણ DRDO સંચાલિત 900 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઉપયોગમાં લઇ શકતા નથી. કારણ કે, અન્ય રિસોર્સીસનો અભાવ છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, 23 એપ્રિલના રોજ 1 લાખ 89 હજાર ટેસ્ટિંગ એક દિવસમાં કરવામાં આવતા હતા, જે હવે ઘટીને 1 લાખ 37 હજાર કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો -AMCના આદેશ બાદ હોસ્પિટલ બહાર લાગ્યા બેડ અંગેના બોર્ડ
શાલીન મહેતા, એડવોકેટ
એડવોકેટ શાલીન મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, હોસ્પિટલ સંચાલકોનું કહેવું છે કે, દર્દીને વધુ પ્રમાણમાં ઓક્સિજન જોઈએ છે, પણ અમે ઓછું જ આપીશું. તેમને હાઇકોર્ટે દરખાસ્ત કરી હતી કે, હોસ્પિટલની આવી કામગીરી સામે તાત્કાલિક રોક લગાવવામાં આવે. જો હોસ્પિટલને ઓક્સિજનની વધુ જરૂર હોય તો તેમને સરકાર પાસેથી માંગે. આ વચ્ચે હોસ્પિટલ સંચાલકો તરફથી થતી વધુ એક ચાલાકીની પણ પોલ ખૂલી પડી છે, જેમાં ઘણી હોસ્પિટલમાં દર્દીને એડમીટ કરતા પહેલા જ તેની પાસે સહી કરાવી લેવામાં આવી રહી છે કે, તે ઓક્સિજનની માંગણી નહીં કરે.
આ પણ વાંચો -900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી
ડૉ. આનંદ યાજ્ઞિક, એડવોકેટ
એડવોકેટ આનંદ યાજ્ઞિકે કોરોના સમયે બાળકો અને મહિલાઓ પર કોર્ટનું ધ્યાન દોર્યું કર્યું હતું. તેમને સરકારી, અર્ધ સરકારી શાળાઓમાં ભણતા બાળકોને સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટની સુવિધા આગામી શૈક્ષણિક સત્રમાં પહોંચતી થાય, તેવા પ્રયાસો કરે તે અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત આંગણવાડીના બાળકો, જૂવેનાઇલ હોમ, નારી નિકેતનના બાળકોને પણ સુવિધા આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે સગર્ભા મહિલાઓને અલગથી સુવિધા મળે તે માટેની રજૂઆત કરવમાં આવી હતી.