ગુજરાત

gujarat

ગુજરાત હાઈકોર્ટનો નિર્ણયઃ ઓટોરિક્ષા ચાલકો હવે કાળુપુર રેલવે સ્ટેશનમાં પ્રવેશી શક્શે

By

Published : Jan 8, 2021, 8:06 PM IST

અમદાવાદના રિક્ષાચાલકો માટે આનંદના સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટે રિક્ષાચાલકોને કાળુપુર રેલવે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપી છે, પરંતુ રિક્ષાચાલકોએ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવાની શરત મૂકી છે. આ અગાઉ ઓટો રિક્ષાચાલકોને રેલવે પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો. જેથી ઓટો રિક્ષા ચાલક યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં હાઈકોર્ટે આજે અતિ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

ahmedabad news
ગુજરાત હાઈકોર્ટનો નિર્ણયઃ ઓટોરિક્ષા ચાલકો હવે કાળુપુર રેલવે સ્ટેશનમાં પ્રવેશી શક્શે

  • રિક્ષાચાલકો કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં જઈ શકશે
  • ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા હાઈકોર્ટનો નિર્દેશ
  • 10 મીનીટ બાદ પાર્કિગ માટે ચાર્જ ચૂકવવો પડશે

રિક્ષા ચાલક યુનિયને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રિક્ષાચાલકોને કાળુપુર રેલવે સ્ટેશનમાં પ્રવેશવા મંજૂરી આપી દીધી છે. જેના પગલે રિક્ષાચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પાર્કિંગ પોલીસીનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આ મંજૂરી આપી છે. રિક્ષા ચાલક યુનિયને ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી અંગે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, રિક્ષાચાલકોને પહેલેથી જ સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી હતી. રેલવે સ્ટેશન પરિસરમાં 10 મીનીટ સુધી રિક્ષા ફ્રીમાં પાર્ક કરી શકાશે, ત્યાર બાદ જો કોઈ રિક્ષા ચાલક પોતાની રિક્ષા અંદર પાર્ક કરશે તો તેને પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે અથવા તો તેમને ફરીથી એન્ટ્રી લેવી પડશે.

રેલવે પ્રવાસીઓને સ્ટેશન પરિસરમાંથી જ ઓટોરિક્ષા મળી રહેશે

ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ હવે કાળુપુર રેલવે સ્ટેશન પરિસરમાંથી પ્રવાસીઓને ઓટો રિક્ષા મળી રહેશે. અત્યાર સુધી ઓટો રિક્ષામાં બેસવા માટે યાત્રીઓએ સ્ટેશનની બહાર આવવું પડતું હતું. પણ હવે પ્રવાસીઓને રિક્ષા સ્ટેશન પરિસરમાંથી જ મળી રહેશે, પરંતુ હાઈકોર્ટનાં આદેશ મુજબ રિક્ષા ચાલકોએ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

ABOUT THE AUTHOR

...view details