- નવલી નવરાતના ચોથે નોરતે જાણો માં કુષ્માંડાનો મહિમા
- મા કુષ્માંડાઃ ઉદરથી બ્રહ્માંડ ઉત્પન્ન કરવાને લીધે પડ્યું નામ
- ચોથા નોરતે અનાહત ચક્રમાં સ્થિત હોય છે સાધકનું ચિત્ત
માતાનું આ સ્વરુપ બધાં જ રોગો અને કષ્ટોનો નાશ કરનાર
આજે આસો સુદ ચોથના ચોથા દિવસે માતાના ભક્તો માં નવદુર્ગાના જે સ્વરુપને ભજે છે તે છે માતા કુષ્માડાંનું સ્વરુપ. માતા કુષ્માંડાએ પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્તપન્ન કરવાના કારણે માં નવદુર્ગાનું આ ચોથું સ્વરુપ કુષ્માંડા તરીકે પૂજાય છે. માં કુષ્માંડાના પૂજનઅર્ચનથી અનાહત ચક્ર જાગૃત કરીને સિદ્ધયોગીઓ અનેક ફળ મેળવે છે. માતાનું આ સ્વરુપ બધા જ રોગો અને કષ્ટોનો નાશ કરનાર માનવામાં આવ્યું છે, તેમ જ તેમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની પણ વૃદ્ધિ થાય છે.
મા કુષ્માંડાનું આ સ્વરુપમાં ધ્યાન ધરો
નવરાત્રિના ચોથા દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે, તેથી આ દિવસે ખૂબ પવિત્ર અને સ્થિર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાનું કાર્ય સંપન્ન કરવું જોઇએ. માંના સ્વરુપનું ધ્યાન ધરીએ તો માં કુષ્માંડાની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે. માતાના હસ્તમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. માંના આઠમાં હાથમાં બધી સિદ્ધિ-નિધિ આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે. માં કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે. તેમની ભક્તિથી દીર્ઘાયુષની સાથે યશ, બળ, અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માં કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારા છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણે જાય તો માં અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતાં લોકોએ માં કુષ્માંડાની ભક્તિ કરતાં તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.
કળિયુગમાં સત્વરે ફળદાયી પંચદેવમાં એક છે મા નવદુર્ગા