- અસુરસંહારિણી મા નવદુર્ગાના અનુપમ કોમળ સ્વરુપના દર્શન કરાવતાં માં સ્કંદમાતા
- નવરાત્રિના પાંચમા નોરતે મા સ્કંદમાતાનું પૂજનઅર્ચન કરવાનો મહિમા
- સમસ્ત ઇચ્છાપૂર્તિ કરનારાં અને સંતાનની પ્રાપ્તિ કરાવનાર છે મા સ્કંદમાતા
આ છે સ્કંદમાતાનું ધ્યાન સ્વરુપ
જ્યારે પણ આપણે કોઇને સ્મરણ કરીએ ત્યારે તેઓનું એક ધ્યાન સ્વરુપ ચિત્તમાં જાગ્રત થતું હોય છે. સ્કંદમાતાને સ્મરણ કરવા માટે આપણા ગ્રંથોમાં જે વર્ણન જોવા મળે છે, તે પ્રમાણે સ્કંદમાતા એટલે કાર્તિકેયના માતા એવો અર્થ થાય છે. કાર્તિકેય મહાદેવ અને ઉમાના પુત્ર છે. માં સ્કંદમાતાને ચાર ભૂજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કર્યાં છે અને અન્ય એક હાથે ખોળામાં બાળ કાર્તિકેય -દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામીને- પકડેલા તથા બીજો હાથ વરદ મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીને કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે. એટલે તેમને "પદ્માસના દેવી" પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ કહેવાયો છે.
સ્કંદમાતા માટે કહેવાયું છે.....
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया |
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ||
તેમનો મંત્ર ‘ર્હીં ઐઁ, કર્લીં સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા’જણાવાયો છે. દેવી ભાગવતમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે માં સ્કંદમાતા સમસ્ત ઈચ્છાપૂર્તિ કરનારા, સંતાનની પ્રાપ્તિ કરાવનારા છે. તેમનું સ્વરુપ દિવ્ય અને રમ્ય છે. તેમનું આ સ્વરુપ દેવતાઓને વિસ્મિત કરનાર માનવામાં આવ્યું છે. આ દેવીના પૂજનમાં મહાલક્ષ્મીનું પૂજન પણ ગણવામાં આવે છે. વરદાયિની પણ કહીએ છીએ તેમ વરમુદ્દા પણ માંએ ધારણ કરી છે. કનકધારા સ્તોત્રથી તેમનું વાગ્પૂજન પણ થઈ શકે છે. સાકરવાળા જળથી માંની મૂર્તિને અભિષેક કરવાનું પણ મહાત્મ્ય આજના દિવસે છે. માંના આ સ્વરુપના પૂજનમાં આપોઆપ કાર્તિકેયસ્વામીનું પણ પૂજન થઈ જાય છે. તેથી અનેકગણું વરદાન સિદ્ધ કરનાર માનવામાં આવે છે. માતાનો વધુ મહિમા જાણીએ ભાગવતાચાર્ય શાસ્ત્રી પ્રકાશ જોષી પાસેથી આ વીડિયોમાં...
માં નવદુર્ગાનું આ પાંચમું સ્વરુપ અતિસુંદર અને વાત્સલ્યસભર, ભક્તનું જીવન બનાવે છે સમૃદ્ધ નવરાત્રિ મહાત્મ્ય વિશેષ...
સામાન્ય ભક્તો માટે નવરાત્રિ સરળ પૂજનવિધિ અને મહિમાગાન દ્વારા જીવને શક્તિ સાથે જોડે છે. ત્યારે મંત્રતંત્રની વિવિધ સિદ્ધિઓના દાત્રી પણ માં નવદુર્ગા છે. ત્યારે શાક્ત પરંપરાના સાધક દસ મહાવિદ્યાની ઉપાસના દ્વારા અનેકગણાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે. તેવો ઉલ્લેખ શાક્ત પરંપરાના ગ્રંથોમાં જોવા મળે છે. દસ મહાવિદ્યાઓમાં કાલી, તારા, ત્રિપુરાસુંદરી, ઙુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ઘુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા આ દસ સ્વરુપમાં માં મહાશક્તિની અનોખી ઊર્જાના સ્વરુપ છે. દસ મહાવિદ્યામાં માતાનું સૌમ્ય અને ઉગ્ર-રૌદ્ર એમ બંને પ્રકારનું સ્વરુપ સમાયેલું છે.
ભાગવત ગીતામાં કહ્યું છે તેમ જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સિદ્ધિ એ પ્રમાણે સાધકને પણ ફળ મળતું હોય છે. નારી પ્રત્યેના સન્માન અને સૌહાર્દભર્યા વ્યવહારથી માતા નવદુર્ગાના તમામ સ્વરુપની પૂજા સંકળાયેલી છે. ત્યારે આધુનિક સમયમાં સ્ત્રીશક્તિના આદરને વધુ મહત્ત્વ આપીએ એ પણ શક્તિવંદના જ છે.