ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે સૌથી મોટી હવનાષ્ટમીઃ આઠમાં નોરતે ભજીએ શ્વેતાંબરધરા મહાગૌરીને.... - માતા મહાગૌરી

પરમેશ્વરને કોઇએ જોયો નથી એમ છતા પરમેશ્વરી શક્તિસ્વરુપા મહાદેવી જગદંબા માતા પાર્વતીના વિવિધ પ્રાગ્ટય ન કેવળ દેવોની રક્ષા માટે કિંતુ માનવો માટે પણ થયા છે. એ જ કારણ છે કે દુખઃત્રાતા મા ભગવતીનું મહાત્મ્ય ચારેય યુગમાં સર્વવ્પાપ્ત રહ્યું છે. સુગમ રહ્યું છે, પૂજાતું રહ્યું છે. મહાશક્તિની આરાધનાના અતિ પવિત્ર અવસર એવા નવલા નોરતા તેના અંતિમ ચરણમાં છે, ત્યારે કોરોના મહામારીની હાડમારીઓમાં સમસ્યાઓનો સામનો કરી રહેલા સૌને માતા નવદુર્ગાનું અષ્ટમ સ્વરુપ એવા માતા મહાગૌરીની પૂજાઅર્ચના અનોખું બળ પૂરનાર બની શકે છે. આવો જાણીએ માતા મહાગૌરીના મહિમા વિશે....

આજે સૌથી મોટી હવનાષ્ટમીઃ આઠમાં નોરતે ભજીએ શ્વેતાંબરધરા મહાગૌરીને....
આજે સૌથી મોટી હવનાષ્ટમીઃ આઠમાં નોરતે ભજીએ શ્વેતાંબરધરા મહાગૌરીને....

By

Published : Oct 24, 2020, 5:03 AM IST

  • ભગવતીની આરાધના માટે શિરમોર સમું આઠમું નોરતું
  • આજે શક્તિ સંપ્રદાય માટે હવનનો મોટો મહિમા
  • માતા મહાગૌરીને ગંગાજળના સ્નાનથી મળ્યું આ નામ
  • માતા મહાગૌરીનું કરો આ ધ્યાનસ્વરુપ સ્મરણ

અમદાવાદઃ માતા મહાગૌરીના પૂજનઅર્ચન કરતા માતાનું દર્શન કરીએ ત્યારે તેઓ આ સ્વરુપમાં ગમ્ય બને છે. માતા મહાગૌરીની ચાર ભૂજાઓ જણાવવામાં આવી છે, તેમણે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. માતા મહાગૌરી વૃષભ પર બેઠેલા છે, એટલે તેમને ’વૃષારુઢા’ તરીકે પણ સંબોધાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ પણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે. માતા મહાગૌરીની મુખમુદ્રા અત્યંત શાંત છે.

માતા મહાગૌરીના નામરુપનું કથાનક

માતા પાર્વતી આદ્યશક્તિ તરીકે બહુવિધ પ્રકારે પૂજાયા છે જેના કથાનકો આપણા ગ્રંથોમાં અને લોકમુખે જાણવા મળે છે. માતા મહાગૌરીની કથા પણ માતા પાર્વતી સાથે અનુસંધાન સાધે છે. એકદા માતા પાર્વતીએ ભગવાન શંકરની અતિ કઠિન ઉપાસના કરી, તપ કર્યું. અતિ તપના કારણે માતાનું વદન શ્યામવર્ણી થઈ ગયું હતુ. કૃશકાય બની ગયેલા મા પાર્વતી પર ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમની તપશ્ચર્યા પૂર્ણ કરાવી. આ સમયે ભગવાને માતા પાર્વતીને ગંગાજળથી સ્નાન કરાવ્યું હતું. આ સાથે જ માતા પાર્વતી અતિ કાંતિમય સ્વરુપ ધારણ કર્યું અને શુભ્રવર્ણા બન્યા. જેને લઇને તેમને મહાગૌરી એવું નામ મળ્યું. માતા મહાગૌરી અત્યંત પ્રસન્ન મુદ્રામાં ભક્તોને મનમાન્યાં મનોરથ પૂર્ણ કરનારાં અને સ્મરણ કર્યે સાદ પૂરનારાં મમતામયી કહેવાયા.

આજે સૌથી મોટી હવનાષ્ટમીઃ આઠમાં નોરતે ભજીએ શ્વેતાંબરધરા મહાગૌરીને....

અષ્ઠમીએ હવનનું આ છે મહત્ત્વ

નવરાત્રિના આઠમાં નોરતાને ઉમાષ્ટમી તરીકે પણ ઓળખાય છે અને સમગ્ર નવરાત્રિના અનુષ્ઠાન સંદર્ભે આ દિવસે હવન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. કોરોનાનો સમયગાળો ન હોત તો આજના દિવસે તમને દરેક શક્તિ મંદિરમાં હવન થતો દ્રશ્યમાન થઈ શકે. ગુજરાતમાં તો શક્તિપીઠ અંબાજી સહિતના મોટા મંદિરોમાં આજના દિવસે વિશેષ હવન યોજાય અને માતાજીને વિવિધ ભોગ ધરાવવામાં આવે. આનંદ ઉચ્છવ મનાવવામાં આવે છે. હવનનો નભમાં જતી ધૂમ્રસેરોથી સમગ્ર વાતાવરણ સુગંધિત, પવિત્ર અને શુદ્ધ થઈ જતું હોય છે, જે જીવમાત્રને માટે ખૂબ જ સ્વાસ્થ્ય પ્રદાન કરનાર હોય છે. નભોમંડળમાં અલૌકિક તેજ વ્યાપે છે અને પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળવા, મનોકામનાઓ પૂર્ણ કરવા, કષ્ટ કાપવા મા મહાશક્તિ આશીર્વાદ આપે છે.

આઠમના દિવસે દુર્ગા સપ્તશતી-ચંડીપાઠના શ્લોકોનું સ્મરણ પણ કરીએ તો અનેરો આનંદ મળે છે. શાંતી પ્રાપ્ત થાય છે. માતા પાસે બાળક બનીને યાચી રહેલો ભક્ત તેના મનમાં આ પ્રાર્થના કરી રહે છે કે....

देहि सौभाग्य मा रोग्य्म देहि में परमं सुखम,
रूपम देहि जयम देहि यशो देहि द्विषो जहि।।

માતા ભગવતીના આરાધકો માટે વિશેષ

ગુજરાત સહિત ભારતના ઘણાં વિસ્તારેમાં શક્તિસંપ્રદાય અસ્તિત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં ભગવાન કૃષ્ણ શિવશક્તિની પૂજાઅર્ચના લઇ આવ્યા અને વ્યાપ વધ્યો તેમ પણ માનવામાં આવે છે. શક્તિ સંપ્રદાયમાં માતા ભગવતી મહાદેવી પાર્વતી અને તેમની વિવિધ શક્તિઓની સાધના ઉપાસના મુખ્ય છે. વિદ્યા સમસ્તાસ્તવ દેવિ ભેદાઃ સ્ત્રિયં સમસ્તાઃ સકલા જગસ્તુ તેનો મુખ્યભાવ છે. માયાને સમજવા મહામાયા ભગવતીને જાણવા પડે અને તેના માટે દુર્ગા સપ્તશતીનું અધ્યયન મુખ્ય માનવામાં આવ્યું છે. માર્કંડેય પુરાણ, દેવી ભાગવત પણ તેના મુખ્ય ગ્રંથ છે. તો અન્ય પુરાણોમાં પણ દેવીનું કોઇને કોઇ કથાનક હોય છે. માતા મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળીના ત્રિરુપની ઉપાસના તેના ઉપાસકને કોઇ વાતે વંચિત રહેવા દેતાં નથી, એવો તેમનો મહિમા ગવાયો છે.

દુર્ગા સપ્તશતીમાં એક એવું શબ્દદેહી મંદિર કહેવાયું છે કે જેમાં સ્ત્રીશક્તિનું જયગાન છે. આતતાયી આસુરીવૃત્તિઓને હણવામાં જ્યાં દૈવશક્તિ હામ હારે છે. ત્યારે તેમને હૈયે માતા નવદુર્ગાની શક્તિનો થાપો પડે છે અને માતા મમતામયી સ્વરુપ ત્યજીને અસ્ત્રશસ્ત્ર ધારણ કરી અસુરોનો નાશ કરીને પુનઃદેવસ્થાપના કરાવે છે. માતા દુર્ગાના મહિમાનું સ્વયં બ્રહ્માજીએ ગાન કરતાં શ્લોકરુપે કહ્યું છે કે...

અસ્તિ ગુહ્યતમં વિપ્ર સર્વભૂતોપકારકમ

દેવ્યાસ્તુ કવચં પુણ્યં તચ્છૃનુષ્વ મહામુને

અર્થાત પરમ ગૂઢ, પ્રાણીમાત્રને ઉપકારક પવિત્ર દેવી કવચ બે મહામુનિ તમે સાંભળો....

તો આપણે સૌ મહાશક્તિ નવદુર્ગાના નવલાં નોરતાની ભલે ઘરમાં રહીને ઉપાસના કરી રહ્યા હોઇએ પણ આપણા મનઃચિત્તમાં માતા ભગવતીની અપરંપાર અનુકંપા અને આશીર્વાદની અનુભૂતિ સાથે મહાગૌરીને નમન કરીએ અને જાણીએ ભાગવતાચાર્ય પ્રકાશ જોશી પાસે માતાના પૂજનઅર્ચન વિશે....

ABOUT THE AUTHOR

...view details