- આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા અટકાવવા મુખ્યપ્રધાન બદલ્યા
- નવા મુખ્યપ્રધાનના ચહેરાને લઈને આમ આદમી સામે પડકાર ઉભો કરાશે
- પાટીદારોની એકતા ખૂબ મહત્વની રહેશે
અમદાવાદ- ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે અને નવા ચહેરામાં ગાંધીનગર લોકસભા વિસ્તારના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા છે અને તે નવા ચેહરાના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ટાર્ગેટ છે કે, 182માંથી 182 બેઠકો જીતવાનો. આમ આદમી પાર્ટી વિધાનસભામાં ન આવે તે માટે ભાજપ સ્ટ્રેટેજી નક્કી કરીને રૂપાણીનું રાજીનામુ લઈ લીધું છે અને આમ આદમીમાં ગયેલા પાટીદારોને પાછા લાવવાનું ગણિત હોય તેવું હાલ તો ફલિત થઈ રહ્યું છે.
સુરત કોર્પોરેશનમાં જીત મેળવ્યા પછી ‘આપ’ જોશમાં છે
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના 17 કોર્પોરેટરો જીતીને આવ્યા, ત્યાર પછી આમ આદમી પાર્ટીમાં જોશ આવી ગયો છે. તે પછી મહેશ સવાણી, પત્રકાર ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ, સાગર રબારી જેવા અનેક મોટા માથા આમ આદમીમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું અવિરત ચાલુ જ છે. આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રા કરી અને ભારે સફળતા મળી છે તેમજ હવે ધરતીપુત્ર સન્માન યાત્રા શરૂ કરી છે અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સીધી નજર ગુજરાત પર છે. કેજરીવાલ અને મનીશ સિસોદિયા સહિત અનેક નેતા ગુજરાત આવી રહ્યા છે અને તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સ્ટ્રેટેજી ઘડી રહ્યા છે.
મોટી સંખ્યામાં લોકો ‘આપ’માં જોડાઈ રહ્યા છે
આમ આદમી પાર્ટી ભાજપ સરકારના વિવાદાસ્પદ નિર્ણયો અને ગુજરાતની ભાજપ સરકારની કામગીરીની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ લઈ જઈ રહી છે અને પ્રજાને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ ઉભો થયો છે. ભષ્ટ્રાચાર મુક્ત અને સ્વચ્છ શાસન આમ આદમી પાર્ટી આપશે. ગામેગામથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જન સંવેદના યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જો કે, હજુ સુધી ભાજપે આ અંગે તેમની જાહેરસભામાં કોઈપણ રીતે ટીકા કરી નથી પણ આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે, તેનો રીપોર્ટ ભાજપ મોવડીમંડળ સુધી પહોંચ્યો હોવો જોઈએ.