- કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં નહીં ઉજવાય હોળી-ધૂળેટી
- કોરોનાના કેસમાં વધારો થતા લેવાયો નિર્ણય
- તહેવારોની ઉજવણી કરતા ક્લબ મેમ્બર્સનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું - સંચાલકો
અમદાવાદ : શહેરમાં કોરોનાના સંક્રમણમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈને રાજપથ અને કર્ણાવતી ક્લબના સંચાલકે દ્વારા ધુળેટી નહીં ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજપથ ક્લબ અને કર્ણાવતી કલબના સંચાલકોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ધુળેટીના તહેવારની ઉજવણીની સરખામણીએ ક્લબના મેમ્બર્સના સ્વાસ્થ્યની બાબત વધુ મહત્વની છે.
આ પણ વાંચો -'નામ બડે દર્શન ખોટે': અમદાવાદને કર્ણાવતી કરવા રાજ્યએ 2 વર્ષમાં એકવાર પણ કેન્દ્રને દરખાસ્ત નથી કરી
3 વર્ષ પહેલાં પણ પાણીની તંગીને ધ્યાનમાં રાખીને ઉજવણી મોકૂફ રખાઇ હતી
ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ચાલુ વર્ષે હોળી - ધુળેટીનો તહેવાર રાજપથ અને કર્ણાવતી ક્લબમાં નહીં ઉજવવાનું નક્કી કરીને ધુળેટીનું પર્વ પોતપોતાના ઘેર ઉજવવાની બન્ને ક્લબના મેમ્બર્સને અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોરોનાનો રોગચાળો વકરવાને પગલે ગત વર્ષે પણ ક્લબમાં હોળી- ધુળેટીની ઉજવણી કરાઈ ન હતી. આ ઉપરાંત 3 વર્ષ પહેલાં પાણીની તંગીને ધ્યાનમાં લઈને પાણીનો બગાડ અટાકવવા બન્ને ક્લબોમાં ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો ન હતો.