અમદાવાદ: લોકડાઉનના 26 દિવસ દરમિયાન 5,527 ગુના દાખલ કરી 12,333 લોકોની અટકાયત કરવામાં આવી છે. ડ્રોનથી પણ નજર રાખીને લોકો પર નજર રાખવામાં આવી રહી છે. 15 વિસ્તારને ક્લસ્ટર કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યાં સ્થાનિક પોલીસ ઉપરાંત SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સીનિયર સિટીઝનની પણ C ટિમ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે.
અમદાવાદ: કરફ્યૂનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે, પોલીસ કમિશ્નર - ક્રાઈમ બ્રાન્ચ
લોકડાઉનનું પાલન કરાવતા પોલીસકર્મીઓ પણ કોરોના વાઈરસમાં સપડાયા છે. અમદાવાદમાં 21 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામની હાલત સુધારા પર છે અને લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા અસરકારક રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને કરફ્યૂનું પણ લોકો પાલન કરી રહ્યા છે.
કરફ્યુના વિસ્તારમાં બપોરે 3 કલાક મહિલાઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ જો મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખે તો આપેલ છૂટ પાછી લેવામાં આવશે. હાલ તો લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છે. કરફ્યુનું પણ પાલન કરી રહ્યા છે. આ ઉપરાંત સોસાયટીઓમાં પણ લોકો ભેગા થાય તો તે મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ શહેરમાં ફરજ બજાવતા 21 જેટલા પોલોસકર્મીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે કાલુપુર, ગાયકવાડ હવેલી અને ખાડિયા પોલીસ સ્ટેશન, ટ્રાફિક, PCR વાનમાં ફરજ બજાવતા હતા. નવા દાખલ કરેલ પોલીસકર્મીની ફરિયાદ હતી કે, સિવિલ હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા નથી પરંતુ હવે તે લોકોને એસી રૂમમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તમામ સુવિધા તેમને આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ પોલીસની દેખરેખ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ થઈ રહી છે. કરફ્યુ અને કેસ વધારે હોય તેવા વિસ્તારમાં પોલીસકર્મીઓને PPE સુટ પણ આપવામાં આવ્યા છે જેનાથી વાઈરસથી બચી શકાય છે.