- સરકારી સહાયના નામે સાઈબર ક્રાઈમ
- અમદાવાદમાં 500 રૂપિયામાં ટેબ્લેટ આપવાના નામે થઈ છેતરપીંડી
- પોલીસે કરી આરોપીની ધરપકડ
અમદાવાદ: રાજ્યમાં સાયબર ક્રાઇમના ગુનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોપીએ વિદ્યાર્થીઓને પણ ના છોડ્યા. જેમાં રાજ્ય સરકારની ટેબ્લેટ આપવાની યોજનામાં ધો.12 પાસ કરેલા વિદ્યાર્થીઓને 500 રૂપિયામાં ટેબ્લેટ આપવાની જાહેરાતની આડમાં બોગસ વેબસાઇટ બનાવીને 71 વિદ્યાર્થીઓ પાસેથી સાઇબર ગઠીયાએ છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સાઇબર ક્રાઇમમાં સામે આવ્યો છે. ગઠીયો વર્ષ 2018થી બોગસ વેબસાઇટ ચલાવતો હતો અને સરકારની લેપટોપ સહાય યોજનાની જાહેરાતની ખોટી પીડીએફ ફાઇલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. સરકારી વેબસાઇટની જેમ આબેહૂબ લાગતી આ વેબસાઇટનું ટેક્નિકલ ટીમ દ્રારા એનાલિસીસ કરવામાં આવતા તે ફૅક હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
ફેક વેબ સાઈટ દ્વારા છેતરવામાં આવતા હતા વિદ્યાર્થીઓને
ન્યૂ રાણીપમાં રહેતા અને નોલેજ કોન્સોટીયમ ઑફ ગુજરાત શિક્ષણ વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અપેક્ષાબેન શાહે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વ્યકિત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. અપેક્ષાબેન નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ટેબ્લેટ વહેંચણીની કરવાનું કામ કરે છે. અપેક્ષાબેનને જાણવા મળ્યું હતું કે સંજય સુમરા નામના વ્યકિતએ સરકારની લેપટોપ સહાય યોજનાની જાહેરાતની ખોટી પીડીએફ ફાઇલ તેમજ ફૅક વેબસાઇટ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે.ત્યારબાદ તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.