અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. જો કે, શરૂઆતમાં પૂર્વ વિસ્તારમાંથી શરૂ થયેલું કોરોના સંક્રમણ અત્યારે પશ્ચિમ વિસ્તારો સુધી પહોંચ્યું છે. એએમસી દ્વારા હાલમાં એન્ટિજન ટેસ્ટ ચાલી રહ્યાં છે. જેમાં ગોતા, ચાંદલોડિયા અને બોડકદેવ વિસ્તારમાં મોટાપાયે એન્ટિજન ટેસ્ટ કરાઈ રહ્યાં છે.
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ગુરૂવારે 10,000થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાથી 200 પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ગોતા ઓગનજમાં 7158 એન્ટિજન ટેસ્ટમાંથી 150 કેસ સામે આવ્યા છે, જેને લઈને તંત્રમાં દોડધામ મચી છે. રહેણાંક વિસ્તારમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદના ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને ઓગનજ વિસ્તારમાં કોરોનાના અંદાજે 350થી વધારે કેસ મળી આવ્યાં જો કે, આ મામલે AMC દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી. સામે આવેલા મોટા આંકડાને લઈને તંત્રએ મૌન ધારણ કર્યું છે. ગોતામાં પ્રથમ દિવસે 35 સોસાયટીમાં એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. જે બીજા દિવસે પણ ચાલુ હતા. જોકે, એએમસીએ આ બાબતે મૌન ધારણ કરી લીધું છે કે, કઈ સોસાયટીમાં કેટલા કેસ આવ્યા છે. હાઈકોર્ટનો સ્પષ્ટ નિર્દેશ છે કે નામ નહીં પણ એરિયા જાહેર કરવો જોઈએ. જોકે, એએમસી આ મામલે વિગતો છૂપાવી રહી છે. એટલે કઈ સોસાયટીમાં કેટલા કેસ આવ્યા તે વિગતો બહાર આવી રહી નથી.
ચાંદલોડિયામાં કોરોના સંક્રમણ વધ્યું છે. આ મામલે એક પણ અધિકારી બોલવા તૈયાર નથી. એએમસીએ સત્તાવાર વિગતો જાહેર ન થાય ત્યાં સુધી વિગતો નહીં માનવાનું જણાવ્યું છે. જોકે લોકોમાં આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવીનું પણ ચર્ચાઈ રહ્યું છે.