- રાજ્યમાં કોરોનાનું ફરી તાંડવ
- કોરોનામાં નવા મ્યુટન્ટ થયા એક્ટિવ
- નવો મ્યુટન્ટ ત્રણથી ચાર જ દિવસમાં ફેફસાંની પરિસ્થિતિ ગંભીર કરે છે
અમદાવાદ: હાલમાં જોવા મળેલા નવા મ્યુટન્ટમાં એટલે કે કોરોનાએ જે નવું સ્વરૂપ ધારણ કર્યું છે તેમાં કોરોના વાઈરસ જે તે દર્દીના ફેફસાં સુધી ત્રીજા દિવસે જ પહોંચી જાય છે અને ન્યુમોનિયા ડેવલપ થાય છે. આ સ્થિતિમાં ગંભીર પ્રકારના કેસો વધવાની સાથે જોખમ પણ વધ્યું છે. તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું. IMA સાથે સંકળાયેલા તબીબો કહે છે કે, કોરોનાના નવા સ્વરૂપે જોખમ વધાર્યું છે. કોરોનાના નવા લક્ષણોમાં ઝાડા-ઉલટી, આંખોમાં બળતરાના કિસ્સા પણ સામે આવ્યા છે. બાળકો અને મહિલાઓમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે જોખમી અન ઘાતક બાબત છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક નહી રહે તો અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને તેના માટે પણ તૈયાર રહેવું પડશે તે બાબત ખુબ જ સ્પષ્ટ છે.
રાજ્યમાં કોરોનાનું ફરી તાંડવ આ પણ વાંચો:કોરોનાનો યુકે સ્ટ્રેન ડરાવતો હોય તો આ જાણી લોઃ વાઈરસના આ યુદ્ધમાં ભારતને મળી છે મોટી સફળતા
વેક્સિન અંગે સરકારને આપી સલાહ
ડોક્ટરે હાલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ અંગે ગુજરાત સરકારને સૂચન કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 45 વર્ષની જગ્યાએ 18 વર્ષ પછીના તમામ લોકોને વેક્સિન આપવાની પ્રક્રિયા વધારવામાં આવે. કોરોના વેક્સિન અંગે સરકાર ઘરે-ઘરે જઇ વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરે તો ઘણું સારું રહે. ગુજરાતમાં વધતા જતા કેસોને લઈ હવે અવેરનેસ રાખવી ખુબ જ જરૂરી બની છે.
આ પણ વાંચો:બ્રિટનથી વડોદરા આવેલા યુવકમાં દેખાયો કોરોનાનો નવો સ્ટ્રેન
કોરોનાના નવા મ્યુટન્ટને લઈ ચિંતામાં થયો વધારો
નવા મ્યુટન્ટની નવી ખૂબીએ ચિંતામાં વધારો કર્યો છે. આપણે ત્યાં વધુમાં વધુ લોકોનું ઝડપી વેક્સિનેશન થાય તો હાર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ શકે તેમ છે. એ પછી પણ વાઈરસ નવા સ્વરૂપ ધારણ કરે એ ત્યારની વાત છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રસીની કોઈ અછત સર્જાઈ નથી. સિવિલમાં કોવિડ વિરોધી રસીનો પૂરતો જથ્થો છે. બીજી તરફ સુરતના કેટલાક કેન્દ્રો પર રસી પહોંચી ન હોવાની બુમરાણ છે. એવી જ સ્થિતિ અમદાવાદના કેટલાક કેન્દ્રો પર હોવાનું સૂત્રો કહે છે. રસી અંગે ડોક્ટરે કહ્યું કે, દરેક કંપનીએ રસીઓના જથ્થાનું ખુબ જ ઝડપી ઉત્પાદન કરવું જોઈએ.