અમદાવાદઃ શહેરના ઉસ્માનપુરા ખાતે આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે કોંગ્રેસ પક્ષ દ્વારા મિલકતવેરો, લાઈટબિલ અને શિક્ષણ ફી માફ કરવાના મુદ્દાઓને લઈને શાસક પક્ષનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલની આગેવાનીમાં ઉસ્માનપુરા ખાતે આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે આવેદનપત્ર અને વિરોધના બેનરો લઇને પહોંચ્યા હતા. પરંતુ, શહેરના મેયર બિજલ પટેલ તો ન મળતા એક અધિકારી તેમની ઝપટે ચડી ગયા હતા. ઘણીવાર સુધી દેખાવ કરવા છતાં અધિકારીએ દરવાજો ખોલ્યો ન હતો. પરંતુ બાદમાં માલૂમ પડ્યું કે, અધિકારી તો ઓફિસમાં એરકન્ડિશન ચાલુ રાખીને ઊંઘતા હતા. આથી કોંગ્રેસના કાર્યકરોએ તેમને પ્રજાના પૈસાને ઉડાવવાના આરોપસર ખખડાવ્યા હતા. જ્યારે અધિકારીએ કહ્યું હતું કે,તેઓ કોંગ્રેસનાં આક્રમક વિરોધથી ડઘાઈ ગયા હતા, તેના કારણે દરવાજો ખોલવામાં વિલંબ થયો હતો.
પ્રજાના પ્રશ્નોને લઈને કોંગ્રેસે ઉસ્માનપુરા ખાતે આવેલી અમદાવાદ મ્યુનિસિપલન કચેરી ખાતે હોબાળો મચાવ્યો - અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલ
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો ઉપર ચૂંટણી જાહેર થતા જ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ રાજકીય તડજોડની નીતિમાં મશગુલ બન્યા છે. બન્ને પક્ષો એકબીજા ઉપર આક્ષેપો-પ્રતિઆક્ષેપની રાજનીતિ રમી રહ્યા છે.
અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મેયર બિજલ પટેલનો સંપર્ક કરવાનો અનેક વાર પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ તેમણે તેનો યોગ્ય પ્રત્યુત્તર આપ્યો ન હતો. મેયર ઉસ્માનપુરા ખાતે આવેલ ઓફિસમાં બેસે છે, તેવી માહિતી મળી હતી. પરંતુ તેઓ અહીં પણ મળ્યા ન હતા. કોરોનાવાઇરસના સંક્રમણને કારણે અપાયેલા લોકડાઉનમાં અઢી મહિના જેટલા સમયમાં ધંધા-રોજગાર બંધ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના નાગરિકોની આર્થિક હાલત કફોડી બની છે. પરિણામે તેઓ અત્યારે એ પરિસ્થિતિમાં નથી કે વીજળીનું બિલ, મિલકતવેરો કે શાળાના બાળકોની ફી ભરી શકે આથી કોંગ્રેસે અહીં વેરા અને ફી માફ કરવાની માંગણી સાથે દેખાવો કર્યા હતા.
જો કે અમદાવાદ શહેરમાં વીજળી ટોરેન્ટ પાવર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. જે ખાનગી કંપની છે, તો તેનું લાઈટ બિલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેવી રીતે માફ કરાવી શકે તે પણ એક પ્રશ્ન છે ! જો કે કોંગ્રેસે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લાઈટ બિલ માફીની જે જાહેરાત કરી છે, તેનો લાભ નાગરિકોને હજી સુધી મળ્યો નથી. બીજી તરફ સરકારી શાળામાં ફી હોતી જ નથી. ત્યારે કોર્પોરેશન પ્રાઇવેટ શાળાની ફી કેવી રીતે માફ કરાવી શકે તે પણ એક પ્રશ્ન છે! હા, કોર્પોરેશન જરૂર મિલકત વેરો માફ કરી શકે તેટલે અંશે કોંગ્રેસની માગ વાજબી છે. હવે આગામી સમયમાં આ મુદ્દાઓને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર સામે દેખાવો કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.