કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ શ્રેય હોસ્પિટલની ઘટનાની જવાબદારી સરકારને ઉપાડવા કહ્યું - મોત
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 લોકોના મોત થયાં છે. જ્યારે 42 લોકોને સારવાર અર્થે svp હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્યારે આ ઘટનાને લઇને કોંગ્રેસે વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
અમદાવાદઃ એસવીપીમાં કોંગ્રેસના એક પછી એક નેતાઓએ મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે, આગની ઘટના બાદ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. હોસ્પિટલની મુલાકાત લેતાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના સંચાલક ભરત મહંત ભારતીય જનતા પાર્ટીના છે. તેમના પિતા કોંગ્રેસના રહી ચૂક્યાં છે. પરંતુ આ ઘટનાને રાજકારણ સાથે જોડવી જોઈએ નહીં. કારણ કે, અહીં દાખલ થનારા લોકો કોઈ પણ પક્ષને જોઈને દાખલ થયાં નથી. જે લોકો ઘાયલ થયા છે અને જે લોકો મૃત્યુ પામ્યાં છે તેમના પરિવાર પ્રત્યે તેમની સંવેદના છે. હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીઓને મેડીકલના કર્મચારીઓની જેમ ગુજરાત સરકારે 50 લાખની સહાય આપવી જોઈએ. સમગ્ર ઘટનાની જવાબદારી વર્તમાન ગુજરાત સરકારે ઉપાડવી જોઈએ.