અમદાવાદઃ શહેરની કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરવામાં આવી છે, જે કેન્સર હોસ્પિટલના ડૉક્ટર્સની સતત 6 કલાકની મહેનતથી દિલિપસિંહની સર્જરી સફળતાપૂર્વક થઇ અને તેમને નવજીવન મળ્યુ છે. આ પ્રકારની સર્જરી મેડીકલ જગતમાં ખુબ જ ઓછી જોવા મળે છે.
સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી અમદાવાદ સિવિલમાં કરવામાં આવી
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઈ હોસ્પિટલમાં દરરોજ અનેક દર્દીઓના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના વાઇરસને કારણે દર્દીના ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટીલ બની રહ્યા છે. આવા જ એક કિસ્સામાં કચ્છના 50 વર્ષીય દિલિપસિંહ પરમારની કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરવામાં આવી છે.
કચ્છના દિલિપસિંહને છેલ્લા એક વર્ષથી છાતીના ભાગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. જે કારણોસર 12 જેટલી ખાનગી હોસ્પિટલમાં નિદાનની ઉમ્મીદ સેવીને સારવાર માટે તપાસ કરાવી પરંતુ દરેક જગ્યાએથી નાઉમેદી જ હાથે વળગી. છેલ્લે અમદાવાદ સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનો મક્કમ નિર્ધાર કરી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા. કેન્સર હોસ્પિટલના તબીબો પર મુકેલો વિશ્વાસ પણ એળે ન ગયો. તબીબોના 6 કલાકના અથાગ પ્રયતન્નો બાદ એક વર્ષથી પીડાતા દિલિપસિંહને અંતે અસહ્ય પીડામાંથી મુક્તિ મળી.
દિલિપસિંહ જણાવ્યું કે કેન્સર હોસ્પિટલના ડૉક્ટર્સ, પેરા-મેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ દ્વારા મારી યોગ્ય સારવાર કરવામાં આવી હું હંમેશાંને માટે તેમનો ઋણી રહીશ. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે 5 લાખ રૂપિયા ખર્ચ જણાવવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારની માં યોજનાને પરિણામે તદ્દન નિઃશુલ્કપણે મારું ઓપરેશન કરવામાં આવ્યું છે. જે માટે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.