- અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે
- મુખ્યપ્રધાને 48.62 કરોડની પાણી પુરવઠા સુધારણા યોજનાઓનું ઇ-ખાતમુહુર્ત કર્યુ
- નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે પાણીનું આયોજન કર્યુ – વિજય રૂપાણી
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જિલ્લાના 128 ગામોની 3 લાખ 74 હજાર જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. 48 કરોડ 62 લાખની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાનું ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યુ હતુ. આ પ્રસંગે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા જસદણ-વિંછીયાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમજ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી સાક્ષી બન્યા હતા. સાંસદ મહેન્દ્ર મૂંજપરા, એચ. એલ. પટેલ, ધારાસભ્યો બાબુ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પદાધિકારીઓ કાર્યક્રમ સ્થળેથી સમારોહમાં સહભાગી થયા હતા.
રાજ્યવ્યાપી વોટરગ્રીડથી લોકોને ઘરઆંગણે પીવાનું પાણી પુરૂં પાડયુંઃવિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ પ્રસંગે સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો કે, રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર, કચ્છ-ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.
સુધારણા યોજનાનો મળશે લાભ
આ સુધારણા યોજનાઓ અન્વયે વિરમગામ, બાવળા અને સાણંદ તાલુકાના 54 ગામોને રૂ. 22.95 કરોડની સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ આધારિત સુધારણા યોજના, ઝીંઝુવાડિયા બ્રાંચ કેનાલ આધારિત રૂ. 9.18 કરોડની સુધારણા યોજનામાં વિરમગામ, માંડલ, દેત્રોજના 44 ગામો તેમજ વહેલાલ બ્રાંચ કેનાલ આધારિત રૂ. 13.83 કરોડની સુધારણા યોજનામાં દસક્રોઇના 30 ગામોને લાભ મળવાનો છે.
મુખ્યપ્રધાને કોંગ્રેસ સરકારની કામગીરીને વખોળી
મુખ્યપ્રધાને ગુજરાતમાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ખાસ કરીને 80 થી 90ના દશકમાં પાણીની જે વિકટ સ્થિતિ હતી તેની કડવી વાસ્તવિકતા વર્ણવતા કહ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર-ગુજરાતે પાણી માટે વલખાં માર્યા છે, બહુ સહન કર્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે, પાણી માટે રમખાણો થતાં, સૌરાષ્ટ્રમાં તો ટ્રેન દ્વારા પાણી પહોચાડવું પડતું અને ટેન્કર રાજમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો, અઠવાડિયે-પાંચ દિવસે લોકોને પાણી મળતું અને પાણીના અભાવે લોકો હિજરત કરી જતા. વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, તે લોકોએ પાણી માટે ચિંતા જ ન કરી, ન બજેટ ફાળવ્યા કે ન આયોજનો કર્યા. તેમના સમયમાં તો ખાતમુહુર્ત થયા પછી વર્ષો સુધી કામ જ ન થાય અને બજેટ ફાળવ્યું હોય તે બમણું-ચાર ગણું થઇ જાય તેવી સ્થિતિ હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાનનો પદભાર સંભાળતા જ પાણી પુરવઠા માટેનું પાણીદાર આયોજન અને પાણીને વિકાસનો આધાર બનાવી અગ્રતા આપી.