અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પાતળી સરસાઈથી ચૂંટાયાં હતા અને અત્યારે તેઓ ગુજરાતના શિક્ષણપ્રધાન છે. તેઓ ચૂંટણીમાં મતગણતરીમાં ગોલમાલ કરીને જીત્યા હોવાનો તેમના હરીફ ઉમેદવારે આક્ષેપ કર્યો હતો. જેની પર હાઈકોર્ટે આજે કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
ભૂપેન્દ્રસિંહ વિરુદ્ધના ચૂકાદા અંગે ભાજપની પ્રતિક્રિયા, સુપ્રીમ કોર્ટ જશે ભાજપ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ ધોળકા મતક્ષેત્ર સંદર્ભમાં હાઈકોર્ટના ચૂકાદા અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા મતક્ષેત્રમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સામેના હરીફ ઉમેદવારે મતગણતરીના સંદર્ભમાં કેટલાક ઇશ્યૂ ઉભા કર્યાં હતાં. આ અંગે આજે હાઈકોર્ટનો ચૂકાદો આવ્યો છે, તે ભાજપ માટે આઘાતજનક છે.
આમ તો ભાજપ દ્વારા કોઈપણ કોર્ટના ચૂકાદાઓનું સન્માન કરવામાં આવે છે, પરંતુ ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે કોંગ્રેસના ધોળકા મતક્ષેત્રના વિધાનસભાના ઉમેદવાર દ્વારા કરવામાં આવેલા કેસમાં ગુજરાત હાઇકોર્ટે તેમની વિરુદ્ધમાં ચૂકાદો આપતાં ભાજપ સુપ્રીમ કોર્ટમાં જશે, તેમ કહ્યું છે.
આ અંગે ભરત પંડ્યાએ કહ્યું કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જનસંધ સમયના ભાજપના વરિષ્ઠ આગેવાન છે અને છેલ્લાં પાંચ-છ દાયકાઓથી તેઓ જાહેર જીવનમાં અનેક કાર્ય કરે છે, આ ચૂકાદાના સમાચાર મળ્યાં બાદ ભાજપના તમામ કાર્યકર્તાઓ દુ:ખી છે. ગુજરાત હાઇકોર્ટમાંથી લેખિત ચૂકાદો આવ્યા પછી તેનો અભ્યાસ કરીને, વકીલોની સલાહ લઈને કેન્દ્રીય અને પ્રદેશના નેતૃત્વના માર્ગદર્શનથી ભાજપ આ ચૂકાદાને સામે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.