રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણી આવનાર વર્ષમાં યોજાનારી છે ત્યારે તેની શરૂઆત અત્યારથી જ ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો શહેર ભાજપ દ્વારા ભાજપ પક્ષના તમામ કોર્પોરેટરોને સૂચના આપી દેવામાં આવી છે. તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરેલા વિકાસના કામો લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ પોતાના મત વિસ્તારમાં પણ સંગઠનની કામગીરી તથા કરેલા કામોના હિસાબ આપવા અંગેની સુચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ભાજપે શરૂ કરી કોર્પોરેશન ચૂંટણીની તૈયારી, કોર્પોરેટર્સને અપાયા કડક સૂચન - corporation election
અમદાવાદઃ લોકસભા ચૂંટણીને પૂર્ણ થયાને હજી ગણતરીના દિવસો જ વીત્યા છે, ત્યારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા વર્ષ 2020માં આવતા કોર્પોરેશન ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને ભાગરૂપે અમદાવાદ મેયર બીજલ પટેલે પોતાના વિસ્તારમાં તો કામ શરૂ કરી દીધું છે. જ્યારે શહેરના અન્ય કોર્પોરેટરોને પણ કડકમાં કડક સૂચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ કોર્પોરેશન પર ફરીથી વિજય મેળવવા માટે મેયર બીજલ પટેલ તથા અન્ય કોર્પોરેટરોને ખાસ જવાબદારી પણ આપવામાં આવી છે જ્યારે હવેથી અમદાવાદ શહેરમાં વધુને વધુ વિકાસના કામો થાય અને ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં જ ભાજપનો પક્ષ વધુ મજબૂત બને તે અંગેનું ખાસ આયોજન શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. આમ સાબરમતી સ્વચ્છતા અભિયાન હોય કે પછી અમદાવાદ શહેર સ્વચ્છતા અભિયાન હોય તેવા તમામ કામકાજો અત્યારે જાહેર કરવામાં આવી રહ્યા છે. આમ આવનારા સમયમાં પણ હજી અમદાવાદની છબી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે અને તે તમામ કામોને ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે.