અરજદાર દીનુ બોઘા વતી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી વચગાળાની જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમના પરિવારમાં ત્રણ લગ્ન હોવાથી આશીર્વાદ આપવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપવામાં આવે. અરજદારના બંને ભાઈ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેમના દીકરાઓના લગ્નમાં હાજર રહેવા મુદ્દે દલીલ કરવામાં આવી છે.
ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાના હાઈકોર્ટે 4 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા - દિનુ બોઘા
અમદાવાદઃ વર્ષ 2010માં RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડનાં મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ પરિવારના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજી માન્ય રાખી જસ્ટિસ બેલા ત્રિવેદી અને એ. સી. રાવની ખંડપીઠે દિનુ બોઘાના 4 દિવસના જામીન મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, દીનુ બોઘા અને અન્ય આરોપીઓ દ્વારા CBI કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે અપિલ અરજીને માન્ય રાખી વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. અમદાવાદની CBI કોર્ટે 11મી જુલાઈના રોજ મુખ્ય આરોપી દિનુ બોઘા, ભત્રીજા શિવ સોલંકી, સહિત કુલ 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. CBI કોર્ટે આરોપીઓને IPCની કલમ 302, 201, 120(b) મુજબ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે આ કેસમાં જુબાનીથી ફરી ગયેલા કુલ 105 સાક્ષીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, જુલાઈ - 2010માં ગીર સોમનાથના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટ સામે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાનું મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું હતું.