- સંકલનના આભાવે દર્દીઓને હાલાકી ભોગવવાનો આવ્યો વારો
- ખાનગી એમ્બ્યુલન્સ માં આવતા દર્દીઓને ન આપવામાં આવ્યો પ્રવેશ
- ગેટ પર મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો થયા હતા એકઠા
અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો એકઠા થયા હતા અને સારવાર માટે દર્દીઓને પ્રવેશ આપવામાં આવે તે અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 108 સિવાયના દર્દીઓને અંદર પ્રવેશ નહી અપાય તેવી જાહેરાત કરવામાં આવી હોવાથી ઘણાબધા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં 108 સિવાયના દર્દીઓને પ્રવેશ ન મળતા રોષ દર્દીઓએ તંત્ર વિરૂદ્ધ કર્યા આક્ષેપો
દર્દીના પરિવારજનો દૂર દૂરથી સારવાર માટે ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં આવી રહ્યા છે. કેટલાક દર્દીઓ રિક્ષામાં, કારમાં અને ખાનગી એમ્બ્યુલન્સોમાં આવી રહ્યા છે, પરંતુ સરકારના આકરા નિયમોને કારણે પ્રવેશ આપવામાં આવતો નથી. તો બીજી તરફ હોસ્પિટલની અંદર પણ 108ની લાંબી લાઈનો લાગી છે. જેમાં દર્દીને ત્રણ-ત્રણ કલાક સુધી એમ્બ્યુલન્સમાં બેસીને રહેવું પડે છે અને ત્યારબાદ વારો આવે છે. મોટી સંખ્યામાં આવેલા દર્દીના પરિવારજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, દર્દીને પ્રવેશ કેમ આપવામાં આવતો નથી? 108માં 36 કલાકનું વેઈટિંગ બોલે છે. ખાનગી વાહનોમાં દર્દીને લઇને પ્રવેશ આપવામાં આવતો નથી? દર્દીના ઓક્સિજન લેવલ ઓછા થઈ રહ્યા છે, સારવાર માટે કેમ કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી નથી?
ICUની સુવિધા હજુ સુધી ઉપલબ્ધ નથી?
ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ICUના બેડની પૂરતી વ્યવસ્થા ઉભી થયેલી નથી. ઓક્સિજન ટાંકી લીકેજ હોવાના કારણે દર્દીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. બીજી તરફ સ્ટાફમાં પણ માત્ર ગણતરીના લોકો હોવાથી માત્ર જનરલ વોર્ડના દર્દીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.