અમદાવાદઃ અજય મોદી સમગ્ર અમદાવાદમાં ટૂર ઓપરેટર તરીકે પ્રખ્યાત છે. દેશવિદેશના પ્રવાસ કરવા માટે અમદાવાદીઓ તેમનો સંપર્ક કરતા હોય છે. કોરોનાવાયરસ પહેલા તેમનો ધંધો ધમધોકાર ચાલતો હતો. પરંતુ આ વાઇરસની સૌથી વધુ અસર ટૂર ઓપરેટરોના વ્યવસાય ઉપર થઈ છે. બે મહિના સુધી તેમનો વ્યવસાય બંધ રહેતા તેમણે હવે નમકીનનો ધંધો શરૂ કર્યો છે.
કોરોના વાયરસના ગ્રહણના કારણે અમદાવાદના પ્રખ્યાત ટૂર ઓપરેટરે નમકીનનો વ્યવસાય શરૂ કર્યો - અજય મોદી
કોરોના વાયરસના કારણે બે મહિના જેટલો સમય તમામ પ્રકારના કામ ધંધા અને આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહી છે. હવે ધીમેધીમે અર્થતંત્ર પાટા પર ચઢી રહ્યું છે. પરંતુ મંદીના કારણે લોકો અત્યારે પૈસા ખર્ચવા તૈયાર નથી. પરિણામે ઘણા એવા વ્યવસાયો છે જે બંધ થઈ ચૂક્યાં છે અથવા તો બંધ થવાના આરે છે. પરંતુ સામે પક્ષે કેટલાક વ્યવસાયકારો પણ છે, જેઓ આવા સમયે હિંમત હારી જવાના બદલે સામે લડી લેવાના મૂડમાં છે. તેઓ નવી દિશા તરફ ડગ માંડે છે. આવા જ એક વ્યવસાયકાર છે, અમદાવાદના પ્રખ્યાત ટૂર ઓપરેટર અજય મોદી.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ પહેલા અમદાવાદમાં ખાડીયામાં 10×10 ની રૂમથી આટલા આગળ આવ્યાં છે. જિંદગીમાં અનેક ચડતીપડતી જોઈ છે. પરંતુ માતાજી પર તેમને પૂરો ભરોસો છે. પહેલાં તેમની પાસે કાયમી 25 લોકોનો સ્ટાફ હતો. આ ઉપરાંત એડહોક સ્ટાફ અને કમિશન એજન્ટ પણ હતા. તેઓ સતત વ્યસ્ત રહેતાં હતાં, પરંતુ કોરોનાવાયરસને કારણે ઓફિસનો ખર્ચો કાઢવો મુશ્કેલ બન્યો છે. ત્યારે અત્યારે ફક્ત 12 વ્યક્તિઓના સ્ટાફથી તેઓએ ચાર માળની ઓફિસનાં પ્રથમ માળે નમકીનનો ધંધો શરૂ કર્યો છે, જ્યારે અન્ય ત્રણ માળ બંધ છે.