અમદાવાદ: ગુજરાત ATSને બાતમી મળી હતી કે, લુધિયાણાથી 2 ઈસમો ગાડીમાં ચરસનો જથ્થો લઈને પાલનપુર પાસે આવી રહ્યાં છે. જેના આધારે પાલનપુર આબુ હાઇવે પરના ટોલનાકાના નજીક ગાડીને ATSએ ચેક કરી હતી. ત્યારે ગાડીમાંથી પાછળની સીટમાં સફરજનના ખોખા પાસે સેલોટેપથી પેક કરેલા થેલામાં ચરસ હતું. ATSએ 16 કિલો 753 ગ્રામ ચરસ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ ગુરૂવારના રોજ આ ગુનાના મુખ્ય આરોપીની ATSએ ધરપકડ કરી છે.
એક કરોડના ચરસના કેસમાં ATSએ મુખ્ય આરોપીને ઝડપી લીધો 13 ઓક્ટોબરના રોજ ગુજરાત ATSએ બાતમીના આધારે 16,753 ગ્રામ ચરસ ઝડપી લીધું હતું. આ સાથે 2 આરોપીની પણ ધરપકડ કરી હતી. તપાસમાં મુખ્ય આરોપી ઇમરાન મલેકનું નામ ખૂલ્યું હતું. ત્યારે ATS દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ ગુરૂવારે ઇમરાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઇમરાન આ અગાઉ 2011 અને 2014માં પણ ઝડપાયો હતો.
જાણો શું છે સમગ્ર ઘટના
સફરજનની આડમાં ગોરખધંધોઃ ATSએ 1 કરોડથી વધુની રકમનો ચરસ જથ્થો ઝડપી પાડ્યો
13 ઓક્ટોબર - ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ATSએ 1 કરોડથી વધુની રકમના ચરસના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. અગાઉ સફરજનની પેટીની આડમાં દારૂ ઝડપાયો હતો, ત્યારે આજે મંગળવારે સફરજનની પેટીની આડમાં ચરસ ઝડપાયું છે.
ગુજરાત ATSને બાતમી મળી હતી કે, લુધિયાણાથી 2 શખ્સો ગાડીમાં ચરસનો જથ્થો લઈને પાલનપુર તરફ આવી રહ્યાં છે. જેના આધારે પાલનપુર આબુ હાઇવે પરના ટોલનાકાના નજીક ગાડીને ATSએ ચેક કરી હતી. ત્યારે ગાડીમાંથી પાછળની સીટમાં સફરજનના ખોખા પાસે સેલોટેપથી પેક કરેલા થેલામાં ચરસ હતું. ATSએ 16 કિલો 753 ગ્રામ ચરસ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા હતા.
બન્ને શખ્સોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓના નામ ફહીમ અને સમીર શેખ છે. બન્ને મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. અમદાવાદના વટવામાં રહેતાં ઇમરાન નામના શખ્સે જડીબુટી તથા દવાઓ લાવવા તેમને લુધિયાણા મોકલ્યા હતા. જ્યાં એક ટ્રક ચાલકે તેમને ચરસ આપ્યું હતું, જે લઈને તેમને ઇમરાનને આપવા માટે જતા હતા. આ કામ માટે ઇમરાન તેમને 50,000 રૂપિયા પણ આપવાનો હતો.