અમદાવાદ: રાહુલ પરીખ નામનો યુવક પોતાના મિત્ર તરુણ સાધુની કલગી ચાર રસ્તા ખાતે આવેલી ઓફિસમાં હાજર હતો, ત્યારે તરુણે રાહુલને સી.જી.રોડ પરથી એચ.કે. આંગડીયામાંથી 5 લાખ રૂપિયા લેવા મોકલ્યો હતો. જે 5 લાખ સફેદ કલરની થેલીમાં મુકીને રાહુલ એક્ટિવાની ડેકીમાં મુકીને એક્ટિવા લઈને પરત ઓફિસ તરફ આવી રહ્યો હતો.
અમદાવાદ: રસ્તામાં એક્ટિવા પાર્ક કરી સિગરેટ પીવી 5 લાખમાં પડી - ચોરી
અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે ધોળા દિવસે પાર્ક કરેલ એક્ટિવાની ડેકીમાંથી ગઠિયાઓ 5 લાખ રૂપિયા લઈને ફરાર થઇ ગયાં હતાં. જે સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયાં છે. એલિસબ્રિજ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.
પૈસા લઈને આવી રહેલ રાહુલ મીઠાખળી પાસેની ટી.સી.રેસ્ટોરેન્ટની બાજુમાં આવેલ ગલ્લા પર સીગરેટ અને પાણી પીવા એક્ટિવા રોડ પર પાર્ક કરીને ઉભો હતો, ત્યારે સિગરેટ પીને એક્ટિવા તરફ પાછો ફરતાં એક્ટિવાની ડેકી ખુલ્લી જોવા મળી હતી અને ડેકી ખોલીને અંદર જોતાં 5 લાખ રૂપિયા ભરેલી થેલી ગાયબ હતી. જેથી આસપાસ ઉભેલા લોકોને પૂછ્યું પરંતુ કઈ જાણવા ન મળતાં પાસેની હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં.
સીસીટીવી ફૂટેજ તપાસતાં તેમાં બાઈક પર આવેલા 2 ઈસમો એક્ટિવાની ડેકી ખોલીને 5 લાખ રૂપિયા ભરેલી થેલી લઈને જતાં દેખાઈ રહ્યાં છે. જેથી આ અંગે રાહુલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. એલિસબ્રિજ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.