અમદાવાદઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમદાવાદમાં આવેલી ગુજરાત કૉલેજની લાઈબ્રેરીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત કૉલેજમાં આવેલી લાઇબ્રેરીનું નામ સીડનહામ હોવાથી વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનની માગ છે કે, દેશ આઝાદ થયે 74 વર્ષ થઈ ગયાં તેમ છતાં કેમ્પસમાં આવેલ લાઇબ્રેરીનું નામ બ્રિટિશ અધિકારીનું રાખવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી દેશના સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયાં તેમને માત્ર જન્મદિવસના નામે યાદ કરી પાછા ભૂલી જવાય છે, તે તદ્દન યોગ્ય ન ગણી શકાય. જે બ્રિટિશ સામ્રાજ્યના લોકોએ કેમ્પસના ભૂતપૂર્વ વિદ્યાર્થી વીર શહીદ વિનોદ કિનારીવાલાને ગોળી મારીને શહીદ કર્યા તે શહીદની પ્રતિમાની સામે જે લાઇબ્રેરી છે. જેનું નામ અંગ્રેજ અધિકારી પર રાખીને આપણી માનસિક ગુલામીનો પ્રભાવ વિદ્યાર્થીઓ પર પડી રહ્યો છે.
ગુજરાત કૉલેજમાં આવેલી લાઈબ્રેરીનું નામ બદલવા ABVPની માગ
ગુજરાત કૉલેજ કેમ્પસની લાઇબ્રેરીનું નામ "સીડનહામ" નામ બદલીને હવે "વીર શહીદ વિનોદ કિનારીવાલા" કરવાની માગ ABVP દ્વારા કરવામાં આવી છે. આગામી 20 તારીખે તેમના જન્મદિવસ નિમિત્તે આ નામ બદલવાની તેમણે માંગણી કરી છે.
ગુજરાત કોલેજમાં આવેલી લાઈબ્રેરીનું નામ બદલવાની ABVPની માગ
ABVPએ આગામી 20 સપ્ટેમ્બરના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા જન્મદિવસના અવસર પર લાઇબ્રેરીનું નામ બદલીને વીર શહીદ વિનોદ કિનારીવાલા રાખવાની માગ કરી છે. આ સાથે જ તેમને વીરાંજલિ અર્પણ કરવા ABVPએ કૉલેજ પ્રશાસનને આગામી 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં આગામી 48 કલાક સુધી કોઇપણ જાતનો નિર્ણય લેવામાં નહીં આવવા પર ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.