અમદાવાદ :શહેરના જુહાપુરા અને માધુપુરા માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારે માર્કેટ ખૂલતાં જ લોકો ફળફળાદી, શાકભાજી અને કરિયાણાની ખરીદી માટે બઝારોમાં ઉમટી પડ્યા હતા. તંત્ર દ્વારા સતત માહિતી આપવામાં આવી હતી કે, કોરોનાવાયરસ ભીડવાળી જગ્યાએ ફેલાય છે અને એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તેમજ તેનું કોમ્યુનિટી ટ્રાન્સફર પણ થઈ શકે છે.
રમઝાન માસની ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવ - કોરોના માસ્ક
આજથી સંપૂર્ણ ભારતમાં પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કોરોના રેડ ઝોન વિસ્તારોમાંથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ પહેલાં જ દિવસથી તેની વિપરીત અસર સ્વરૂપે બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી.
તેમ છતાં પણ દુકાનદારો અને નાગરિકો દ્વારા લાપરવાહી દાખવવામાં આવી હતી. ખરીદી કરવા આવનાર લોકોમાં મોટાભાગનાએ માસ્ક પણ પહેરયા ન હતા. તો સોશિયલ ડિસ્ટન્સનો પણ તદ્દન અભાવ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓએ અહીં આવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યું હતું. પરંતુ પોલીસ જતાંની સાથે જ ફરીથી લોકોએ ભીડ ભેગી કરવાનું ચાલુ કરી નાખ્યું હતું.
અનેક ધર્મગુરુઓ, સમાજના આગેવાનો,સરકારી તંત્ર અને પોલીસ દ્વારા પણ અગાઉથી લોકોને ભીડ ભેગી ન કરવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ લોકોએ જાણે તેમની વાત કાને ન ધરી હોય તેમ ભીડ ભેગી કરીને કોરોના વાયરસને ફેલાવવા માટે મોકળું મેદાન આપી દીધુ હતું.