અમદાવાદ: રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં રામ જન્મ ભૂમિના નિર્માણ માટે ભૂમિ પૂજન પહેલા ધાર્મિક પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ છે. અયોધ્યાને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે, તેમજ આસપાસના જિલ્લાઓમાંથી અયોધ્યા પહોંચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
વડા પ્રધાનનો લેન્ડિંગથી વિદાય સુધીનો કાર્યક્રમ પણ જાહેર થયો છે. આ ભૂમિ પૂજનને લઈને અમદાવાદીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના એક રામ ભક્ત શિલ્પા ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવાયું છે. આ રામ મંદિર 15 કિલો ચોકલેટમાંથી બનાવામાં આવ્યું છે.
આ વિશે વધુ વાત કરતા શિલ્પા જણાવે છે કે, રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ છે. ત્યારે મેં પણ આ રામ મંદિર બનાવવાનું વિચાર્યું હતું. 15 કિલો ચોકલેટમાંથી મેં ત્રણ માળનું રામ મંદિર તૈયાર કર્યું છે. જેમાં 30 કલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંદિર બનાવતા 12 કલાક જેટલો સમય લાગ્યો છે. જેમાં આઈસ્ક્રીમના કપ, કોલ્ડ્રીંકની બોટલનો ઉપયોગ કરીને ઘુમ્મટ બનાવ્યું છે. બુધવાર જ્યારે અયોધ્યામાં ભૂમિ પૂજન કરવામાં આવશે, ત્યારે હું પણ મારા ઘરે આ રામ મંદિરનું પૂજન કરીશ. આ ચોકલેટમાંથી બનાવેલા આ રામ મંદિરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવાની ઈચ્છા છે.