અમદાવાદઃ શહેરનો પૂર્વ વિસ્તાર જાણે ક્રાઈમનું સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર 24 કલાકમાં જ બે હત્યાના બનાવો સામે આવ્યા છે. મેઘાણીનગરમાં આવેલા જોગેશ્વરી ચાલીમાં અંગત અદાવતમાં બપોરના સમયે યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અંગત અદાવતમાં યુવકની હત્યા, આરોપીએ જાહેરમાં છરીના ઘા માર્યા - ગુજરાત પોલીસ
અમદાવાદ શહેરમાં ક્રાઇમની ઘટનામાં રોજબરોજ વધારો થઇ રહ્યો છે. શહેરમાં નાની-નાની વાતોએ હત્યા કરવી એ વાત સામાન્ય બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. આરોપીઓ પણ પોલીસના ડર વિના ગુનાઓને અંજામ આપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે.
શહેરના મેઘાણીનગરમાં આવેલા જોગેશ્વરીની ચાલીમાં રહેતા અને છુટક મજૂરીકામ કરતા કેતન દીક્ષિત નામના યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આરોપી તેજસ મહેરીયા મૃતકની ચાલીમાં રહેતો હતો અને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી અને મૃતકને આ પહેલા પણ માથાકૂટ ચાલી રહી હતી.
કેતન દીક્ષિત બપોરના સમયે ચાલીને ગેટ આગળ રિક્ષામાં બેઠો હતો. ત્યારે તેની ચાલીમાં રહેતા અને રિક્ષા ચલાવતા તેજસ મહેરીયાએ કેતન દીક્ષિતને એક બાદ એક છરીના ઘા ગળાના ભાગે માર્યા હતા. જેથી તેનું મોત નીપજ્યું હતું. ભર બપોરે જાહેરમાં હત્યા કરતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, હાલ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે.