અમદાવાદઃ મહિલા-દીકરીઓના સશક્તિકરણ અને દીકરીઓના જન્મનું પ્રમાણ વધારવા, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળલગ્ન અટકાવવાના હેતુથી મુખ્યપ્રધાન દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે.
અરજી કરતા વખતે આ વિગતો આપવી પડશે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી એજાઝ મનસૂરીના જણાવ્યા અનુસાર આ યોજનામાં લાભાર્થી દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4 હજારની સહાય, દીકરીને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6 હજારની સહાય અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ. 1 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાશે. વધુમાં વધુ બે દીકરીઓ અને 2 ઓગસ્ટ 2019 કે તે પછી જન્મેલી દીકરીઓને આ લાભ મળવાપાત્ર થશે. પ્રથમ અને દ્વિતીય બંને દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને લાભ મળવાપાત્ર રહેશે. પ્રથમ દીકરો અને બીજી દીકરીઓ (જોડિયા) કે તેથી વધુ એક સાથે જન્મના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ મળવાપાત્ર થશે.આ યોજનાનો લાભ મેળવવા માંગતા દંપતિની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ યોજનાનું અરજીપત્રક વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રો, સીડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મેળવી શકાશે.