વિરમગામઃ સરકાર દ્વારા રાજ્યભરમાં ધન્વંતરી રથ દોડાવવામાં આવી રહ્યા છે. વિરમગામમાં ધન્વંતરી રથમાં જરૂરિયાતમંદોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બે લાખથી વધુ લોકોના ઓક્સિજનનું પ્રમાણ પણ ચેક કરવામાં આવ્યું હતું. વિરમગામમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા અધિકારીના માર્ગદર્શન હેઠળ 27 ધન્વંતરી રથ ચલાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં 2821 વિસ્તારોમાં કુલ 3 લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ ધન્વંતરી રથ દ્વારા કરવામાં આવી છે.
ધન્વંતરી રથની મેડિકલ ટીમ દ્વારા વ્યક્તિઓને આયુર્વેદિક દવા, ઉકાળા આપવામાં આવ્યા છે. 1,68,431 લોકોને હોમિયોપેથી મેડિસીન પૂરી પાડવામાં આવી છે. જ્યારે 2,44,719 લોકોના ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવામાં આવ્યું છે. કોવિડ-19 શંકાસ્પદ દર્દીઓને શોધીને રિફર કરવામાં આવ્યા છે. વિરમગામ ખાતે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈએ ધન્વંતરી રથ તથા કોવિડ કેર સેન્ટરની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી.