- હવે રેલવે વિભાગ પણ આવ્યું અમદાવાદ શહેરની મદદે
- રેલવે દ્વારા કુલ 19 આઇસોલેશન કોચ કરાયા તૈયાર
- ચાંદલોડિયા રેલવે સ્ટેશને 6 અને સાબરમતી રેલવે સ્ટેશનમાં 13 કોચ ઉપલબ્ધ
અમદાવાદ: અત્યારની પરિસ્થિતિમાં કોરોના સામેના યુદ્ધમાં પશ્ચિમ રેલ્વે દ્વારા પણ ભાગીદારી આપવામાં આગળ આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ પડકારજનક સમયમાં અને આ મહામારી સામેની લડતમાં રેલવે હંમેશા અગ્રણી રહી છે. સ્થાનિક પ્રશાસનની વિનંતી પર ટૂંક સમયમાં આ 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને ઉપલબ્ધ કરાયા છે. તેમાંથી 13 કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને ચાંદલોડિયામાં પ્લેટફોર્મ નંબર 2 પર 6 કોચ મૂકવામાં આવ્યા છે તથા જ્યારે જરૂરી હોય ત્યારે કોચની સંખ્યા પણ વધારી શકાય છે.
કોચમાં કેવી છે સુવિધા
મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ કોચમાં તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રત્યેક કોચમાં 8 વોર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં 16 દર્દીઓ રહી શકે છે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. એક વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે. દરેક કોચમાં બે ઑક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. તેના રિફિલિંગની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસન કરશે. દરેક વોર્ડમાં બેડશીટ્સ, પિલો કવર સહિતની અને ત્રણ પ્રકારનાં ડસ્ટબિન (લાલ, પીળો, લીલો) હશે જે વેસ્ટ સેગ્રીગેશન સરળ બનાવશે. કોચની બંને બાજુની બારી મચ્છરદાનીથી ઢંકાયેલી છે અને બાથરૂમમાં જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી છે.