- કોરોના ગાઈડલાઈન પ્રમાણે યોજાશે જગન્નાથની 144મી રથયાત્રા
- ભગવાન જગન્નાથનો રથ ખેંચવા માટે રથયાત્રામાં 120 ખલાસી જોડાશે
- આજે ખલાસીઓ અને મંદીરના સભ્યોને મળીને કુલ 139 ટેસ્ટ કરાયા
અમદાવાદ : ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સરકારે જાહેર કરેલા નિયમો પ્રમાણે જ યોજાશે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રામાં કુલ પાંચ વાહનો અને 200 વ્યક્તિઓને જવાની પરવાનગી આપવામાં આવી છે. રથયાત્રામાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવેલ છે. જોકે, રથયાત્રામાં જોડાનારા 139 લોકોનો આજે શનિવારે કોવિડ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં 139 કોવિડ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા તમામ ખલાસીઓના ટેસ્ટ કરાયા
કોરોના ગાઇડ લાઇનને અનુસરતા તમામ ખલાસીઓના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. એક રથ ઉપર 40 ખલાસીઓ એમ કુલ 120 ખલાસીઓ રથયાત્રામાં ભાગ લેશે. પરંપરા પ્રમાણે મૂળ ભરૂચ અને વેરાવળના ખલાસીઓ રથ ખેંચશે. આજે શનિવારે કુલ 139 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રથ ખેંચતા ખલાસીઓના આગેવાન કૌશલ ખલસીએ ETV Bharatને જણાવ્યું હતું કે, તમામ 120 ખલાસીઓ રથયાત્રામાં ભાગ લેવાના છે. તેમના કોરોના ટેસ્ટ પૂર્ણ થયા છે. હવે ભગવાન જગન્નાથને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે, દરેક વ્યક્તિ નેગેટિવ આવે અને ભગવાન જગન્નાથના આશીર્વાદથી રથયાત્રા પૂર્ણ થાય.
મહંત અને ટ્રસ્ટીના ટેસ્ટ થઈ ચૂક્યા છે
આ રથયાત્રામાં મંદિરના મહંત અને ટ્રસ્ટી ઉપરાંત કાર્યકરો પણ ભાગ લેવાના હોવાથી ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, મહંત દિલીપદાસજી ઉપરાંત અન્ય મંદિરવાસીઓનાં કોરોના ટેસ્ટ અગાઉ જ પૂર્ણ થઈ ચૂકયા છે.