મુંબઈ :આજે ભારતીય શેરમાર્કેટમાં નબળી શરુઆત કરી રોકાણકારોને તહેવાર સમયે ફટકો આપ્યો છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 101 અને 39 પોઈન્ટ ઘટીને ખુલ્યા હતા. ત્યારબાદ શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 325 અને 82 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે ઉતાર ચઢાવ રહ્યો હતો.
BSE Sensex : આજે 13 નવેમ્બર સોમવારના રોજ BSE Sensex ગતરોજના 65,259 બંધની સામે 101 પોઈન્ટ ઘટીને 65,158 ના મથાળે ખુલ્યો હતો. જોકે શરુઆતી કારોબારોમાં રિકવરી સાથે 65,176 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ અચાનક 323 પોઈન્ટની ડૂબકી મારી 64, 853 સુધી ડાઉન ગયો હતો. BSE Sensex ઘટાડા સાથે ખુલ્યા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 325 પોઈન્ટ ઘટીને 64,933 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.50 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 82 પોઈન્ટ (0.42 %) ઘટીને 19,443 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 39 પોઈન્ટ ઘટીને 19,486 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,414 પોઈન્ટ સુધી ડાઉન અને 19,494 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે અગાઉ NSE Nifty ઈનડેક્સ 19,525 ના મથાળે સપાટ બંધ રહ્યો હતો.