મુંબઈ :ચાલુ સપ્તાહમાં સતત બે દિવસ વેચવાલી બાદ આજે ફરી મજબૂત વલણ જોવા મળ્યું છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 489 અને 144 પોઈન્ટ વધીને લીલા નિશાનમાં બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ ખૂબ સારા સુધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. શેરબજારમાં ચોતરફ લેવાલીથી રોકાણકારોને અંદાજે 3 લાખ કરોડનો તગડો નફો થયો છે.
BSE Sensex : આજે 2 ઓક્ટોબર ગુરુવારના રોજ ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈનડેક્સ લગભગ 489 પોઈન્ટ (0.77 %) સુધારા સાથે 64,080 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ઈનડેક્સ આજે 442 પોઈન્ટ વધીને 64,033 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતથી જ મજબૂત વલણને જાળવી રાખી 64,202 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ અચાનક વેચવાલી નીકળતા 387 પોઈન્ટની ડૂબકી મારી BSE Sensex 63,815 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે લેવાલી નીકળતા સતત ઉપર ચડતો રહીને ટ્રેડિંગ સેશનના અંતે 265 પોઈન્ટની રિકવરી નોંધાવીને ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ગત રોજ BSE Sensex 259 પોઈન્ટ તૂટીને 63,591 મથાળે બંધ રહ્યો હતો.
NSE Nifty : આજે 2 ઓક્ટોબર ગુરુવારના રોજ NSE Nifty ગતરોજના 18,989 બંધની સામે 131 પોઈન્ટ વધીને 19,120 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતના કારોબારમાં સતત મજબૂત વલણને જાળવી રાખી 19,175 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ યુરોપીય શેરમાર્કેટ ખુલતાની સાથે જ ભારતીય બજારના સેન્ટિમેન્ટને અસર થવા પામી હતી. જેમાં FII ના સેલીંગ પ્રેશર વચ્ચે નિફ્ટી ઇન્ડેક્સ 111 પોઈન્ટ ઘટીને 19,064 પોઈન્ટ ડાઉન ગયો હતો. DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ભારે લેવાલીના પગલે ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 144 પોઈન્ટ સુધારા બાદ 19,133 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.76 ટકાનો વધારો દર્શાવે છે.