મુંબઈઃભારતીય રિઝર્વ બેંક (RBI) એ ત્રણ દિવસીય MPC બેઠકના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24ની આ બીજી બેઠકમાં પણ કેન્દ્રીય બેંકે પોલિસી રેટ (રેપો રેટ) સ્થિર રાખ્યા છે. અગાઉ એપ્રિલ મહિનામાં મળેલી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. એટલે કે, તે 6.5 ટકા પર સ્થિર રહેશે અને EMI ચૂકવનારાઓ પર બોજ વધશે નહીં. આ અંગે 6 જૂને બેઠક શરૂ થઈ હતી. ગવર્નર શક્તિકાંત દાસે 6 જૂને શરૂ થયેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) મીટિંગના પરિણામોની જાહેરાત કરી હતી.
કોઈ ફેરફાર નહીંઃતેમણે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મે 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયેલી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંકે એક પછી એક રેપો રેટમાં વધારો કર્યો હતો. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, CPI ફુગાવો હજુ પણ અમારા 4 ટકાના લક્ષ્યાંકથી ઉપર છે. અમારી આગાહી મુજબ 2023-24માં તેનાથી ઉપર રહેશે. આ સાથે તેમણે નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ સાથે, તેમણે જણાવ્યું કે SDF દર 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત છે.