નવી દિલ્હી:સરકારે IDBI બેન્કમાં કુલ 60.72 ટકા હિસ્સો વેચીને બેન્કના ખાનગીકરણ માટે સંભવિત રોકાણકારો પાસેથી બિડ મંગાવી (Govt invites bids) છે. સરકાર આ હિસ્સો LIC સાથે મળીને વેચશે. આ માટે બિડ અથવા એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI) સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે. બિડ આમંત્રિત કરતા, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) એ જણાવ્યું હતું કે, સંભવિત રોકાણકારની લઘુત્તમ નેટવર્થ રૂપિયા 22 હજાર 500 કરોડ હોવી જોઈએ. ઉપરાંત બિડ કરવા માટે પાત્ર બનવા માટે કંપની પાસે છેલ્લા પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષમાં ચોખ્ખો નફો હોવો (bids for IDBI Bank privatisation) આવશ્યક છે.
IDBI બેંક: DIPAM અનુસાર, અરજી કરનારા કન્સોર્ટિયમમાં વધુમાં વધુ ચાર સભ્યોની મંજૂરી આપવામાં આવશે. સફળ બિડરે એક્વિઝિશનની તારીખથી પાંચ વર્ષ સુધી ઓછામાં ઓછી 40 ટકા ઇક્વિટી મૂડી જાળવવી પડશે. આ ઉપરાંત DIPAM એ પણ મોટા ઔદ્યોગિક/કોર્પોરેટ ગૃહો અથવા વ્યક્તિઓને બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાલમાં IDBI બેન્કમાં 529.41 કરોડ શેર સાથે 49.24 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે કેન્દ્ર સરકાર પાસે 488.99 કરોડ શેર સાથે 45.48 ટકા હિસ્સો છે.