નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દિવાળી પર તેના કર્મચારીઓને ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2022-23 માટેના વ્યાજદર કર્મચારીઓના ખાતામાં મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ નાણાકીય વર્ષમાં EPFO ખાતાધારકોના ખાતામાં જમા રકમ પર 8.15 ટકા દર ઓફર કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, EPFO ના વ્યાજ દર દરેક વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી અને નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. આ વર્ષે જૂનમાં સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે વ્યાજ દરોની જાહેરાત કરી હતી. ત્યારબાદ સરકારે PF ખાતાધારકોના ખાતામાં વ્યાજ દરના નાણાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે.
EPFO દ્વારા સત્તાવાર જાહેરાત : EPFO વિભાગને સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા માહિતી આપી હતી કે, કર્મચારીઓના ખાતામાં વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ખાતાધારકોને આ વર્ષે કોઈપણ નુકસાન વિના વ્યાજની સંપૂર્ણ રકમ મળશે. આ સાથે EPFO દ્વારા કર્મચારીઓને ધીરજ રાખવાની અપીલ કરવામાં આવી છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ દિવાળી પહેલા 24 કરોડથી વધુ ખાતાઓમાં કર્મચારી ભવિષ્ય નિધિનું (EPF) વ્યાજ જમા કર્યું છે.
નવા વ્યાજ દર :EPFO ના 71 માં સ્થાપના દિવસની ઉજવણી કરતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, EPFO આ વર્ષે 8.15 ટકા વ્યાજ આપી રહ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે અગાઉ 2023-24 માટે EPF યોજનામાં 8.15 ટકા વ્યાજ જમા કરવાની મંજૂરી આપી હતી. દર મહિને મળતા પગારમાંથી EPF ની રકમ કાપવામાં આવે છે. દર મહિને વ્યાજની ગણતરી કરવામાં આવે છે. તેનું વ્યાજ વર્ષના અંતે ચૂકવવામાં આવે છે.
કેવી રીતે ચેક કરશો બેલેન્સ ? ખાતાધારક વેબસાઈટના માધ્યમથી તેમનું બેલેન્સ ઓનલાઈન ચેક કરી શકે છે. આ સાથે EPFO મિસ્ડ કોલ સુવિધા અને SMS સેવા દ્વારા બેલેન્સની માહિતી મેળવી શકાય છે. EPF બેલેન્સ તપાસવા માટે સબ્સ્ક્રાઇબર્સ પાસે તેમનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ કરેલ હોવો જોઈએ. UAN એક ઓળખ નંબર છે જેનો ઉલ્લેખ કર્મચારીની માસિક પગાર સ્લીપમાં કરવામાં આવે છે. EPF યોજના હેઠળ નોંધાયેલા દરેક કર્મચારી માટે તે યુનિક હોય છે.
- ધનતેરસ પર 50 હજાર કરોડથી વધુનો બિઝનેસ, સોનાનું સૌથી વધુ વેચાણ
- DHANTERAS 2023: ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો