ગુજરાત

gujarat

ETV Bharat / business

દૂરસંચાર પેઢીઓને બેઠી કરવાની યોજના પર વધુ ધ્યાનની જરૂર - દૂરસંચાર પેઢીઓને બેઠી કરવાની યોજના

ન્યૂઝ ડેસ્ક: BSNL જે એક સમયે નવરત્ન કંપની હતી, તે રૂપિયા 90,000 કરોડ કરતાં વધુ સંચિત નુકસાન સાથે બીમાર કંપની બની ગઈ છે. રિલાયન્સ જિયો અને ભારતી ઍરટેલ જેવા કુશળ અને વધુ અસરકારક ખાનગી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા માટે BSNLની અક્ષમતાનું આ પરિણામ છે.

Telecommunications companies need more attention on planning for meetings
દૂરસંચાર પેઢીઓને બેઠી કરવાની યોજના પર વધુ ધ્યાનની જરૂર

By

Published : Dec 3, 2019, 11:48 PM IST

બીમાર જાહેર ક્ષેત્રની દૂરસંચાર પેઢીઓ...BSNL અને MTNL આવનારી દુભર સ્થિતિ તરફ તાકીને જોઈ રહી છે. નરેન્દ્ર મોદી સરકારની સરકારી ટેલિકૉમ કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફૉન નિગમ લિમિટેડ (MTNL)ને વિલીન કરવાની ઘોષણા ઘણી મોડી છે અને તે બંને કંપનીઓને બેઠી કરવા સાર્થક ન પણ હોઈ શકે. ઉદ્યોગ નિષ્ણાતોને લાગી રહ્યું છે કે સૂચિત પગલાથી ખાનગી ખેલાડીઓ માટે સ્પર્ધા ઊભી થશે અને તેનાથી માત્ર સંચાલનનો ખર્ચ નિયંત્રણમાં આવશે. સરકાર ઘણા સમય પહેલાં મોટા સુધારાઓ અને ધરમૂળથી પુનર્રચના શરૂ કરી શકી હોત અને સરકારે હાલમાં જાહેર કરેલાં પગલાં જાહેર ક્ષેત્રની આ પેઢીઓને પાટા પર ચડાવવાં પૂરતાં નથી. આ બંને પેઢીઓ સંચાલનના મોરચે લોહી નીતરી રહી છે. સૂચિત સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) પેકેજ સાથે, વિલીનીકરણથી માત્ર સંચાલન ખર્ચ પર નિયંત્રણ થઈ શકે છે, પરંતુ અદ્ધર ઝૂલી રહેલા ભવિષ્યને પુનઃ બેઠું કરવા માટે તે પૂરતાં ન પણ હોઈ શકે.

BSNL જે એક સમયે નવરત્ન કંપની હતી, તે રૂપિયા 90,000 કરોડ કરતાં વધુ સંચિત નુકસાન સાથે બીમાર કંપની બની ગઈ છે. રિલાયન્સ જિયો અને ભારતી ઍરટેલ જેવા કુશળ અને વધુ અસરકારક ખાનગી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા માટે BSNLની અક્ષમતાનું આ પરિણામ છે. વધુ પડતા 1,76,000 કાર્યદળ સાથે BSNL અસ્પર્ધાત્મક છે. BSNL અને MTNL બંને સાથે સૌથી મોટા મુદ્દા, દૂરસંચાર ક્ષેત્રના નિષ્ણાતો મુજબ, એ છે કે તેના કર્મચારીઓ 'એકાધિકાર' યુગના છે, આજના ખૂબ જ સ્પર્ધાત્મક વાતાવરણને અનુકૂળ થઈ શકે તે માટે કર્મચારીઓની માનસકિતા બદલવાની નિષ્ફળતા BSNLની પડતીનાં મોટાં કારણો પૈકીનું એક છે. મોબાઇલ ક્ષેત્રમાં ભીષણ સ્પર્ધાના કારણે ઓછા દરો, કર્મચારીગણ પાછળ ઊંચો ખર્ચ અને ડેટા કેન્દ્રિત દૂરસંચાર બજારમાં 4-જી સેવાઓ (કેટલાંક સ્થાનોને બાદ કરતાં)ની ગેરહાજરી BSNLની ખોટ પાછળનાં અન્ય મુખ્ય કારણો છે. વર્ષ 1026માં આક્રમક રિલાયન્સ જિયોના બજારમાં આગમન પછી જાહેર ક્ષેત્રની પેઢીને તેની આવકમાં ભારે ઘટાડો થયો છે. રિલાયન્સ જિયોએ તેની ખળભળાટ મચાવનારી કિંમતોથી દૂરસંચાર ઉદ્યોગને ધ્રૂજાવી દીધું, અને તેની પાસે સમગ્ર ભારતમાં 4-જી નેટવર્ક છે. 2016ના ઉત્તરાર્ધમાં આરજીયોની સાથે 4-જી આવતાં મોબાઇલ યંત્રોમાં ડેટાનો વપરાશ બહુ મોટા પ્રમાણમાં વધ્યો છે. તેનાથી ટેલિકૉમ ક્ષેત્રમાં મજબૂતી આવી છે. હવે માત્ર ત્રણ ખાનગી ખેલાડીઓ બચ્યા છે- ઍરટેલ, વૉડાફૉન આઈડિયા (તેમના વિલીનીકરણ પછી) અને BSNL/MTNL.

આ ખૂબ જ સ્પર્ધાત્મક જમાનામાં મજબૂતીથી ઊભા રહેવા માટે જાહેર ક્ષેત્રની દૂરસંચાર પેઢીઓને સમર્થ બનાવવા માટે પુનર્જીવન પેકેજમાં, BSNL અને MTNLનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરવા ઉપરાંત સરકાર સૉવરેઇન બૉન્ડ દ્વારા રૂપિયા 15,000 કરોડ, અસ્ક્યામતોના વેચાણ દ્વારા રૂપિયા 38,000 કરોડ ઊભા કરવા માગે છે અને આગામી ચાર વર્ષમાં કર્મચારીઓ માટે સ્વૈચ્છિત નિવૃત્તિ યોજના (VRS) જાહેર કરી છે.

વિશાળ દૃષ્ટિકોણમાં, BSNL અને MTNLનું વિલીનીકરણ તાર્કિક લાગે છે. કારણ કે, બંને એકબીજાથી અલગ પ્રદેશોમાં કામ કરે છે. બધા ખાનગી દૂરસંચાર ખેલાડીઓ મોબાઇલ સેવા માટે સંપૂર્ણ ભારતમાં હાજરી ધરાવે છે, તેથી BSNL અને MTNL માટે પણ તે અર્થપૂર્ણ છે અને આ જ રીતે તેમનું વિલીનીકરણ પણ અર્થપૂર્ણ છે. આ જાહેર સાહસ સ્પર્ધાના દેખાવ માટે ટકાઉ પ્રતિભાર આપે છે. ખાનગી સંચાલકોની ખૂબ જ ઉછીનાં નાણાંવાળી- બેલેન્સ શીટથી તેમને દેશના ગ્રામીણ અને આર્થિક રીતે બિનટકાઉ વિસ્તારોમાં નેક્સટ જનરેશન ડેટા નેટવર્ક લાવવામાં ધીમા પાડી રહ્યા છે. મજબૂત જાહેર સાહસ હશે તો ખાનગી પેઢીઓ ભાડાં વધારતા અટકશે, જે આર્થિક તણાવનો સરળ રસ્તો છે, અને તેનાથી ગ્રામીણ ગ્રાહકોની સેવા પણ થશે.

BSNLની હાજરી દેશના વ્યૂહાત્મક હિતમાં છે. BSNL દેશભરમાં વ્યૂહાત્મક ઈમારતો અને પ્રદેશોને જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને આથી તેનું અસ્તિત્વ જરૂરી છે. જ્યારે રાષ્ટ્રની સુરક્ષાની વાત આવે છે, ત્યારે સંદેશા વ્યવહાર નેટવર્ક મહત્ત્વનું તત્ત્વ બની રહે છે. આ કાર્ય એક પણ ખાનગી ક્ષેત્રને આપી શકાય નહીં. કેન્દ્રીય દૂરસંચાર પ્રધાન રવિશંકર પ્રસાદે પણ કહ્યું છે કે, જ્યારે પણ પૂર, વાવાઝોડાં અને અન્ય આપત્તિઓ દેશમાં આવે છે ત્યારે ઝડપી નિઃશુલ્ક સેવાઓ આપવામાં BSNL હંમેશાં પ્રથમ ઊભું રહ્યું છે. આવી નાજુક પળોમાં તે ઘણી વાર એક માત્ર સંચાલક હોય છે.

રાષ્ટ્રીય ડિજિટલ કમ્યૂનિકેશન પોલિસી

જ્યારે ડિજિટલ અર્થતંત્ર વ્યાપક જગ્યા લેવા માટે ઝડપી ગતિએ વિકસી રહ્યું હોય તેવા જમાનામાં, સલામત અને સુરક્ષિત આર્થિક વ્યવહારો માટે સરકાર સંચાલિત મજબૂત દૂરસંચાર પેઢીઓ હોય તે અતિ આવશ્યક છે. 2018માં શરૂ કરાયેલી રાષ્ટ્રીય ડિજિટલ કમ્યૂનિકેશન નીતિ (NDPC)માં, દૂરસંચાર વિભાગે ડિજિટલ અર્થતંત્રના કેટલાંક મુખ્ય તત્ત્વો જેમ કે, સુધારેલી બ્રૉડબેન્ડ પ્રવેશ, વધુ સારું રેડિયો વર્ણપટ (સ્પેક્ટ્રમ) પ્રબંધન, રાષ્ટ્રીય દૂરસંચાર આંતરમાળખાની સંવર્ધિત સુરક્ષા, ઇન્ટરનેટ તટસ્થતા સિદ્ધાંતોને વળગી રહેવું સહિત અનેક બાબતોને માન્યતાં આપી છે. ડિજિટલ યુગના પ્રશ્નોનો હલ કરવા એનડીસીપી વ્યાપક રીતે ત્રણ મુખ્ય કાર્ય પથની રૂપરેખા આપે છે જેનાં નામ છે, ‘કનેક્ટ ઇન્ડિયા’, ‘પ્રૉપેલ ઇન્ડિયા’, અને ‘સિક્યૉર ઇન્ડિયા’. ‘કનેક્ટ ઇન્ડિયા’ બ્રૉડબેન્ડને સામાજિક-આર્થિક વિકાસના સાધન તરીકે જુએ છે જ્યારે ‘પ્રૉપેલ ઇન્ડિયા’નો હેતુ 5-જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને બિગ ડેટા જેવી નવી ડિજિટલ ટૅક્નૉલૉજીની સત્તાઓનો લાભ લેવો. અને અંતે, સિક્યૉર ઇન્ડિયા દેશમાં ડિજિટલ સંદેશાવ્યવહારની સાર્વભૌમતા, સુરક્ષા અને સલામતીની સુનિશ્ચિત કરવા માટે આગળ વધશે.

સરકારી મજબૂત દૂરસંચાર પેઢીઓ દ્વારા ઉપરોક્ત હેતુઓ પ્રાપ્ત કરવા ભારતે વર્ષ 2022ની અવધિ નક્કી કરી છે, પરંતુ આપણા પડોશી દેશ ચીને આ સંદર્ભમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ડિજિટલ અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત, ચીનની દૂરસંચાર પેઢીઓ રાજકીય, આર્થિક અને સામાજિક વર્ણપટોમાં એક જ સમયે અનેક હેતુઓ પૂરા કરી રહી છે. મોટા ભાગના દેશોમાં સરકારોએ દૂરસંચાર આંતરમાળખામાં તેનું પ્રભુત્વ છોડી દીધું છે અને ખાનગી સાહસોને પ્રવેશવાં દીધાં છે, પરંતુ ચીન અપવાદ રહે છે. ચીને ગયા વર્ષના અંતે 4-જી એલટીઈનો 1 અબજનો ગ્રાહક આધાર વટાવી દીધો છે, જેમાં સરકારની માલિકીની ચાઇના મોબઇલ, ચાઇના ટેલિકૉમ અને ચાઇના યુનિકૉમનો સમાવેશ થાય છે. તેમનો ગ્રાહકોનો હિસ્સો અનુક્રમે 65 ટકા, 18 ટકા અને 17 ટકા છે. આ રીતે વિશ્વમાં 4-જી ગ્રાહક આધારના 40થી વધુ ટકા ચીન ધરાવે છે.

જ્યારે ભારતની વાત આવે છે ત્યારે, જાહેર ક્ષેત્રની દૂરસંચાર પેઢીઓ વાયરલેસ ગ્રાહક આધારના માત્ર 10 ટકા અને વાયરલેસ બ્રૉડબેન્ડ ગ્રાહક આધારના માત્ર 3 ટકા જ ધરાવે છે. ‘ટ્રાય’ મુજબ, મે 2019ના રોજ, BSNLનો બજારમાં હિસ્સો 9.98 ટકા હતો, જે MTNL સાથે સંયુક્ત રીતે 10.28 ટકા જતો હતો. આની સામે ખાનગી સંચાલકો બજારમાં બહુમતી પર પ્રભુત્વ ધરાવતી હતી. (વૉડાફૉનનો બજાર હિસ્સો 33.36 ટકા, જ્યારે ઍરટેલનો 27.58 ટકા હિસ્સો હતો). નવરત્ન પેઢીમાંથી માંદા જાહેર સાહસના એકમ તરફ BSNLનું પતન ઝડપી હતું.

પુનર્જીવન યોજનામાં, સરકાર તેની એવી આશામાં અતિ આશાવાદી લાગી રહી છે કે, 4-જી વર્ણપટથી કંપનીઓ સ્પર્ધાત્મક બની જશે. પરંતુ જે પ્રશ્ન ખરેખર હલ કરવા જેવો છે તે એ છે કે, BSNL સ્પર્ધાત્મક રીતે કાર્ય કરવા સાધનસજ્જ છે કે કેમ. માત્ર 4-જી વર્ણપટથી ગ્રાહકોની ખાતરી મળતી નથી. ગ્રાહકો સરળ પ્રવેશ અને પ્રતિભાવત્મકતાને પ્રતિસાદ આપે છે. ખાસ કરીને, ગ્રાહકોનો સામનો કરવાના વેપારમાં જાહેર સાહસો બહુ સંઘર્ષ કરતી હોય છે. આનું કારણ એ છે કે, ગ્રાહકો ઘણી માગ કરનારા હોય છે અને તેના માટે કંપનીની પ્રક્રિયાઓ ગ્રાહકોને તાત્કાલિક પ્રતિસાદ આપવા સજ્જ હોય તે જરૂરી છે. જો કોઈ હોય તો તે છે BSNL અને MTNL દ્વારા ગ્રાહકોને ખરાબ સેવા આપવી જે તેમનો વેપાર અન્યત્ર લઈ જવા માટે ગ્રાહકોને ફરજ પાડવાનાં સૌથી મોટાં કારણો પૈકીનું એક છે.

સરકારે સરકારી દૂરસંચાર પેઢીઓને ઉપર લાવવા માટે વિશ્વસનીય કાર્ય યોજના ઘડી કાઢવી જોઈએ જે ગળાકાપ દૂરસંચાર બજારમાં સ્પર્ધા કરવા તેમને સક્ષમ બનાવે. દા.ત. જાહેર સાહસ સ્પર્ધાત્મક બને તે માટે, તેને થોડી સ્વાયત્તતા જરૂરી છે. જો કે, લાંબા સમયથી, સરકારે રાજ્ય સંચાલિત દૂરસંચાર કંપનીઓને ખાનગી જાગીર સમજીને વર્તન કર્યું છે. તેમને કાળબાહ્ય ટૅક્નૉલૉજીમાં મૂડીરોકાણ કરવા માટે સતત ફરજ પાડવામાં આવી રહી છે અને નબળી ગુણવત્તાના વર્ણપટ ઊંચી કિંમતોએ વેચ્યા છે. આના જેવાં પરિબળોએ બંને કંપનીઓના સ્થિર પતનમાં ફાળો આપ્યો છે. બચાવ યોજનાની સાથે દૂરસંચાર કંપનીઓમાં સંચાલનના સુધારા પણ મહત્ત્વનું પાસું છે કારણ કે તેની સાથે નાણાં સંકળાયેલાં છે. કાર્ય સંસ્કૃતિ બદલવી અને આ કંપનીઓની પ્રક્રિયાઓ પારદર્શી અને જવાબદેહી બનાવવા માટે આકરા નિર્ણયો કયા હોઈ શકે તે જોવા માટે મજબૂત નિશ્ચય જરૂરી છે. તેને જતું કરવાની શીખવાની જરૂર છે, લઘુતમ સરકાર અને મહત્તમ સંચાલનના તેના વચનને પૂર્ણ કરવાની જરૂર છે. આ તબક્કે, જો બચાવ યોજના તમામ સંબંધિત મુદ્દાઓનો હલ કાઢવાનો સંપૂર્ણ અભિગમ નહીં ધરાવે તો, તે અન્ય એક બિનઉપયોગી કવાયત બની રહેવાનું બહુ વાસ્તવિક જોખમ ધરાવે છે, તે પણ એવા સમયે જ્યારે અર્થતંત્ર સુસ્તીની મધ્યમાં છે. નવી દરખાસ્ત બંને સાહસોની અસ્થિર આર્થિક સ્થિતિને જોતાં, ઓછામાં ઓછું કર્મચારીઓને વધુ સ્વીકાર્ય હશે. જો સુધારા અને પુનર્જીવન આ વખતે ન થયું તો તે બંને દૂરસંચાર કંપનીઓનો અંત હોઈ શકે છે.

નીરજકુમાર

ABOUT THE AUTHOR

...view details