RBI એ સતત ચોથી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. RBI એ રેપો રેટમાં 0.35 ટકાની કપાત કરી છે, જેના કારણે હવે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. આ ઘટાડા બાદ રેપો રેટ 5.40 ટકા પર આવી ગયો છે. આ અગાઉ રેપો રેટ 5.75 ટકા હતો. આ ઘટાડા બાદ હોમ લોન અને ઑટો લૉન સસ્તી થશે. RBI એ રીવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કર્યો છે. રીવર્સ રેપો રેટ ઘટીને હવે 5.15 ટકા થઇ ગયો છે.
શું થશે અસર
RBIના આ નિર્ણયથી એવા લોકોને ફાયદો થશે જેમની ઘર અથવા ઑટો લોનની EMI ચાલી રહી છે. RBIના રેપો રેટના ઘટાડા બાદ બેન્કો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ રહેશે. જો કે RBIના રેપો રેટમાં સતત ઘટાડો કરવા છતાં, બેન્કોએ અપેક્ષા મુજબ ગ્રાહકોને ફાયદો કર્યો નથી. આ જ કારણ છે કે નાણા પ્રધાન નિર્મલા સીતારામને બેન્કોને રેપો રેટમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા જણાવ્યું હતું.
GDP લક્ષ્યાંકને ઘટાડ્યો
રીઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષના GDP લક્ષ્યાંકને 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યો છે. આ નિર્ણય રીઝર્વ બેન્ક દ્વારા એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કેન્દ્રની મોદી સરકાર 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે 8 ટકાનો GDP ગ્રોથ કરવાનો પ્રયાસ કરી રહી છે.