નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 24 જૂન, બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. બેઠક બાદ કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અંતરિક્ષ વિજ્ઞાન અને બેંકોમાં મોટા સુધારા માટેના વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારી બેંકો (તે શહેરી સહકારી બેંકો હોય કે બહુ-રાજ્ય સહકારી બેંકો) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની સુપર વિઝન પાવર હેઠળ આવશે.સહકારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આ માટે કેબિનેટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે.
1540 સહકારી બેન્કોને RBI હેઠળ લાવવા વટહુકમ બહાર પડાશે : પ્રકાશ જાવડેકર
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. સહકારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આ માટે કેબિનેટે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, મુદ્રા લોન હેઠળ આપવામાં આવતી શિશુ લોનના વ્યાજના દરમાં 2 ટકા છૂટ આપવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન જાવડેકરે કહ્યું કે, 1,482 ગ્રામીણ સહકારી બેંકો અને 58 સહકારી બેંકોને રિઝર્વ બેન્કના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. આનાથી 8.6 કરોડ ખાતાધારકોની ચિંતા દૂર થશે. સહકારી બેંકોમાં ગ્રાહકોની રૂપિયા. 4.84 લાખ કરોડની થાપણ જમા છે.
1540 બેંકમાં 8 કરોડ 60 લાખ ખાતાધારકો છે. જેમના ખાતામાં કુલ મળીને 4.84 લાખ કરોડ રૂપિયા જમા છે. તેમણે એમ પણ કહ્યું કે, મુદ્રા લોન યોજના અંતર્ગત શિશુ મુદ્રા લોન લેનારા 9 કરોડ 37 લાખ લોકોને વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે. લારી લઈને ઉભા રહેતા કે નાના દુકાનદારો મુદ્રા યોજના પહેલા સાહુકારો પાસેથી રૂપિયા લેતા હતા અને તોતિંગ વ્યાજ ચૂકવતા હતા. હવે તેમને બેંકોમાંથી રૂપિયા મળે છે અને 2 ટકા છૂટ મળશે. નાના લોકોને મોટો ફાયદો આપતી યોજના છે. 1 જૂન 2020થી આ યોજના લાગુ થશે અને 31 મે 2021 સુધી ચાલુ રહેશે. આ માટે ચાલુ વર્ષે 1540 કરોડ રૂપિયા ખર્ચ કરાશે.