ભળતા માર્ગે ચડી ગયેલું યુવાધન - Engineering students
યુનેસ્કોએ હાલમાં કરેલા એક સર્વે અનુસાર આક્રમક પાત્રોને પસંદ કરનારા મોટા ભાગના યુવાનોમાં ગુનાખોરી કરવા માટેની વૃત્તિ જોવા મળી હતી. સમાજમાં ગુનાખોરી અને હિંસાને ડામવી હોય તો આવી વૃત્તિઓને પારખી લેવી જરૂરી છે. કિશોર કે યુવાવસ્થામાં આવી ઉગ્ર વૃત્તિ જોવા મળતી હોય તો તેને પારખીને તેને યોગ્ય દિશામાં વાળવી જોઈએ.
ન્યૂઝ ડેસ્ક: યુનેસ્કોએ હાલમાં કરેલા એક સર્વે અનુસાર આક્રમક પાત્રોને પસંદ કરનારા મોટા ભાગના યુવાનોમાં ગુનાખોરી કરવા માટેની વૃત્તિ જોવા મળી હતી. સમાજમાં ગુનાખોરી અને હિંસાને ડામવી હોય તો આવી વૃત્તિઓને પારખી લેવી જરૂરી છે. કિશોર કે યુવાવસ્થામાં આવી ઉગ્ર વૃત્તિ જોવા મળતી હોય તો તેને પારખીને તેને યોગ્ય દિશામાં વાળવી જોઈએ.
આજના આધુનિક યુગમાં યુવાનોમાં વાંધાજનક પ્રવૃત્તિઓ તરફનું આકર્ષણ વધી રહ્યું છે. બહુ બધા યુવાનો યુવાનીના ઘડતરના દિવસો નશો કરવામાં, મોટરબાઇકની રેસ કરવામાં, દારૂ અને જુગારમાં વિતાવી રહ્યા છે. સંતાનો કયા માર્ગે જઈ રહ્યા છે તેને પારખવાનું કામ વાલીઓનું છે.
કેટલાક માતાપિતા લાડકોડ ખાતર સંતાનો જે માગે તે લાવી આપીને ઇચ્છા પૂરી કરતા હોય છે. હાલના સમયમાં જ બે એન્જિનિયર વિદ્યાર્થીઓ કારને ફૂલ સ્પીડે દોડાવતા હતા અને ફ્લાયઓવર પરથી નીચે પડી જતા મોત પામ્યા હતા. કેટલાક કૉલેજિયનો થ્રીલ ખાતર અને શરત લગાવીને જોરદાર ટ્રાફિક હોય તે રસ્તાને થોડી જ સેકન્ડમાં ક્રોસ કરી દેવાનું જોખમ લેતા હોય છે. આવા ગાંડપણને કારણે કેટલાય યુવાનોના જીવ ગયા છે અને કુટુંબો બરબાદ થા છે.
આવી નુકસાનકારક વૃત્તિઓ માત્ર બગડી ગયેલા નબીરાઓમાં જ હોય છે તેવું નથી. ધીમે ધીમે મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના કિશોરમાં પણ આવી બદીઓ આવવા લાગી છે. આંકડાંઓ પરથી ખ્યાલ આવે છે કે 40 ટકા ગુનાઓમાં 18થી 25 વર્ષના લોકો જ સંડોવાયેલા હોય છે.
માનસશાસ્ત્રીઓ કહે છે કે બાળપણમાં કેવો ઉછેર થયો, માતા પિતાએ કેટલી કાળજી લીધી, કૌટુંબિક સંબંધો અને મિત્રોની કેટલી અસર થઈ આ બધી બાબતોની અસર વ્યક્તિના જીવન પર પડે છે. હાલના સમયમાં સ્માર્ટફોનની લત બહુ ઝડપથી ફેલાઇ રહી છે. પુસ્કતો વાંચવા કે રમતગમતમાં ધ્યાન આપવાના બદલે લોકો સ્માર્ટફોનની સામે ડોળા ફાડીને બેસી રહે છે.
બાળકોના વર્તનને પ્રારંભથી જ પારખી લેવામાં આવે અને તેને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તેમને વધારે સારા નાગરિકો બનાવી શકાય છે. સંતાનોને લાડકોડમાં રાખવા અને તેમની પ્રવૃત્તિઓ પર નજર ના રાખવી તેવું થાય તો કિશોરા આડા માર્ગે ચડી શકે છે. સામાજિક બદીઓ પાછળ મુખ્ય હેતુ આર્થિક અને સામાજિક લાભ લેવાનો હોય છે. વૈભવી જીવન જીવવાની લાલચમાં યુવાનો ચોરી અને લૂંટના રવાડે ચડી જાય છે. સામાજિક મૂલ્યોનો હ્રાસ થયો છે તે માટે ફિલ્મો અને સોશ્યલ મીડિયા પણ એટલા જ જવાબદાર છે. મનુષ્યનો સ્વભાવ જ હોય છે કે ખરાબ બાબતોની લત ઝડપથી લાગી જાય છે.
ગેરવર્તનના કારણે થનારા નુકસાન વિશે માતાપિતાએ બાળકોને વારંવાર સાવધ કરવા જોઈએ. બાળકો પોતાના વાલીઓની નબળી કડી બહુ ઝડપથી જાણી જાય છે. તેના કારણે માતાપિતાએ શિસ્તપાલન માટે બહુ કડક થઈને કામ કરવું જરૂરી છે.
બાળકોનો ઉછેર સહેલી વાત નથી. દંપતિએ પોતાના મતભેદોને બાજુએ રાખીને બાળકોને યોગ્ય માર્ગે વાળવા માટે આયોજન કરવું જરૂરી છે. આ બાબતમાં વાલી અને શિક્ષકની ભૂમિકા બહુ અગત્યની હોય છે. કોઈ પણ દેશ માટે તેનું ભાવી યુવાનોમાં કેવો પાયો નંખાશે તેના પર આધારિત હોય છે. સરકારની પણ એટલી જ જવાબદારી છે કે ભવિષ્યના નાગરિકોને યોગ્ય દોરવણી મળી રહે. નેતાઓએ એ સમજવાની જરૂર છે કે ગ્રામીણ અને શહેરી બંનેના યુવાનોને યોગ્ય રોજગારીની તક મળી રહે તો યૌવનધન વેડફાતું અટકે અને સાચા અર્થમાં સામાજિક સૌહાર્દ જળવાઈ રહે.