હૈદરાબાદઃ રશિયાના ચંદ્રના અભ્યાસમાં લૂના 25 મિશન અત્યંત મહત્વનું હતું. વર્ષ 1976માં લૂના 24 મિશન બાદ આર્થિક અને રાજકીય ઉથલપાથલને લીધે રશિયાનો ચંદ્ર અભ્યાસ ખોરવાયો હતો. લૂના 25 મિશનનો મુખ્ય હેતુ ચંદ્ર પરના સંશોધનના વારસાને જીવંત કરવાનું હતું. આ લૂના 25 અંતરિક્ષ યાનને 10 ઓગસ્ટ 2023ના રોજ રવાના કરવામાં આવ્યું હતું. આ યાન ચંદ્રની કક્ષામાં સફળતા પૂર્વક પ્રવેશ કરીને ભ્રમણ કરી રહ્યું હતું.
જો કે કોમ્યૂનિકેશન અને ટેકનિકલ ખામીઓને લીધે સપ્ટેમ્બરમાં આ મિશન સમાપ્ત કરવું પડ્યું. આ મિશનનો હેતુ ચંદ્રની સપાટી અને ચંદ્રના ધૃવીય એકસોસ્ફીયરના પ્લાઝમા અને ધૂળના ઘટકોના અભ્યાસ કરવાનો હતો. 21 ઓગસ્ટના રોજ ભારતના ચંદ્રયાન 3ને ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરવાની ગણતરી હતી.
21મી ઓગસ્ટના રોજ ચંદ્ર મિશનના પ્રારંભિક વિશ્લેષણથી જાણવા મળ્યું કે લૂના 25 મિશનમાં ભ્રમણ કક્ષાની ગણતરીમાં કંઈક ઉણપ રહી ગઈ છે અને તે કોઈક અજ્ઞાત કક્ષામાં પહોંચી ગયું હતું અને તે ચંદ્રની સપાટી સાથે ટકરાઈને નષ્ટ થઈ ગયું હતું.
લૂના 25 મિશનની નિષ્ફળતાથી સમગ્ર રશિયામાં સોપો પડી ગયો હતો. રશિયાના અંતરિક્ષ મિશનનોના ભવિષ્ય સંદર્ભે ચર્ચાઓ થવા લાગી હતી. બજેટની ઉણપ, જૂના પાયાગત માળખા અને નિષ્ણાતોની ઉણપને લીધે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અવકાશ હરિફાઈમાં રશિયા ક્યાંય પાછળ ધકેલાઈ ગયું. લૂના 25ની નિષ્ફળતાથી રશિયાને બહુ મોટી આર્થિક ખોટ સહન કરવી પડી. અનુમાન અનુસાર લૂના 25 મિશનમાં અરબો રુબલનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મિશનની નિષ્ફળતાને પરિમામે રશિયાની ચંદ્ર પર પહોંચવાની અને અભ્યાસ કરવાની સંભાવનાઓ ધૂંધળી પડી ગઈ.
આટલી બધા પડકારો અને મોટી નિષ્ફળતા હોવા છતા અંતરિક્ષમાં રશિયાના ખેડાણને નજરઅંદાજ કરી શકાય નહીં. રશિયા પાસે સેટેલાઈટ લોન્ચ કરવા માટે મજબૂત માળખુ, કુશળ અવકાશ વૈજ્ઞાનિકો અને સંશોધન કરવાની કાબેલિયત છે. રશિયા પોતાના વર્તમાન પડકારોને દૂર કરી ચંદ્ર પર ફરીથી પોતાની પહોંચ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવા પર વિચાર કરી શકે છે. ઈએસએ અને જેએક્સએ જેવી અન્ય અંતરિક્ષ સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને રશિયા ટેકનોલોજી, નિપૂણતા અને આર્થિક મદદ મેળવી શકે છે.
અમદાવાદના ઈસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર(એસએસી)ના ડાયરેક્ટર નીલેશ દેસાઈએ કહ્યું કે, રશિયાનું ચંદ્ર મિશન લૂના 25 ખરાબ સોફ્ટવેર અને ઈલેક્ટ્રોનિક્સને કારણે નિષ્ફળ રહ્યું. પુનામાં આઈઆઈટીએમના 62મા સ્થાપના દિવસના સમારોહમાં સંબોધન કરતી વખતે દેસાઈએ કહ્યું કે, રશિયન લૂના 25 ચંદ્રયાન 3ના થોડાક દિવસ પહેલા ચંદ્ર પર ઉતરાણ કરવાનું હતું. રશિયાએ અચાનક જ ચંદ્રના દક્ષિણ ધૃવ પર ઉતરાણની જાહેરાત કરી. અમને લાગ્યું કે ભારત બીજા ક્રમે રહેશે, કારણ કે રશિયાની ટેકનોલોજી અને મશિનરી બહેતર હોય છે. રશિયાએ સમગ્ર મિશન 10 ઓગસ્ટના રોજ શરુ કર્યુ હતું. આ એક સફળ પ્રક્ષેપણ હતું. બધુ જ યોગ્ય રીતે ચાલતું હતું. 19 ઓગસ્ટના રોજ રશિયાએ જાહેર કર્યુ કે તેમના કોમ્પ્યૂટરમાં કંઈક ગરબડ જણાઈ રહી છે. તેથી તેઓ લૂના 25ના એન્જિનને નિયંત્રિત કરી શકતા નથી. જો કે રશિયન વૈજ્ઞાનિકો આ સમસ્યાના નિવારણ માટે સતત પ્રયત્નશીલ હતા. જો કે 20મી ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા કે લૂના 25 મિશનનું અંતરિક્ષ યાન ચંદ્રની સપાટી પર ભોંયભેંગુ થઈ ગયું છે.
જેમ જેમ 2023 અંત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રશિયાની ચંદ્ર તરફની મહત્વકાંક્ષાઓ દૂર થતી જણાઈ રહી છે. લૂના 25ની નિષ્ફળતા રશિયા માટે એક મોટો ઝટકો છે. આ નિષ્ફળતા અંતરિક્ષ સંશોધનમાં આવતા પડકારો અને અનિશ્ચિતતાને પણ ઉજાગર કરે છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીની પ્રગતિથી રશિયા ચંદ્ર પર પહોંચી શકે છે. રશિયા પોતાની જાતે એકલપંડે આગામી મિશન શરુ કરે છે કે અન્ય દેશોની મદદ લે છે તેના પર સૌની નજર છે. લૂના 25 મિશનની નિષ્ફળતા માત્ર એક મિશનની નિષ્ફળતા નથી દર્શાવતી પરંતુ માનવીય મહત્વકાંક્ષાઓ, અસફળતાઓ અને અજ્ઞાનને દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે અંતરિક્ષનો માર્ગ સરળ નથી પણ જે અડગતાથી આ માર્ગ પર ટકી રહે છે તે સફળતો મેળવે છે. લૂના 25ની નિષ્ફળતાની ગૂંજ આવનારા વર્ષોમાં પણ સંભળાશે પરંતુ માનવ જિજ્ઞાસાની અદમ્ય ભાવનાઓથી પ્રેરાઈને ચંદ્રમાના રહસ્યો ઉજાગર કરવાની શોધ ચાલુ રહેશે.
- Year-ender 2023 : વર્ષ 2023 દરમિયાન ગુજરાત હાઈકોર્ટના મહત્વના ચુકાદા પર એક નજર...
- Year-ender 2023 : ODI વર્લ્ડ કપ, ભારતીય ક્રિકેટ ટીમની રોમાંચક વિજયયાત્રાનો દુઃખદ અંત