કોલકાતા (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદીનીપુર જિલ્લામાં શુક્રવારની રાત્રે એક લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરનું મૃત્યુ થયું હતું. જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, આધિકારીક પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત બસ કોલકાતાથી ઓડિશાના પારાદીપ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં દાઝી જવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને મૃતકની ઓળખની પુષ્ટિ કરવામાં આવી રહી છે.
AC bus catches fire: કોલકાત્તાથી ઓડિશા જતી એસી લક્ઝરી બસમાં લાગી આગ, એક મુસાફરનું મોત, 30થી વધુને ઈજા - કોલકાત્તા ન્યૂઝ
કોલકાતાથી ઓડિશાના પારાદીપ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં NH 16 અને માધબપુર નજીક અચાનક આગ લાગવાને કારણે સળગી ઉઠી હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત થયું છે, જ્યારે 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
Published : Nov 11, 2023, 9:20 AM IST
|Updated : Nov 11, 2023, 9:33 AM IST
એક મુસાફરનું મોત: આ દુ:ખદ ઘટના નેશનલ હાઈવે 16 પર બની હતી. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં બસના કેટલાંક મુસાફરો બસમાંથી કૂદી પડ્યાં હતાં જેમાં તેઓ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટરના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.
દુર્ઘટના બાદ ડ્રાઈવર ફરાર: બસમાં આગ લાગવાનું તાત્કાલિક કારણ જાણી શકાયું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાને પગલે બસનો ડ્રાઈવર વાહનમાંથી કૂદીને ભાગી ગયો હતો. શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બસમાં આગ લાગી હતી. જ્યારે તે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના માધબપુર પહોંચવાની હતી. ઇજાગ્રસ્ત મુસાફરોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. અને દુર્ઘટનામાં મોતને ભેટેલ મુસાફરની ઓળખ માટે પણ તજવીજ હાથ ધરી છે.