- ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાની પત્રકારની બોલતી કરી બંધ
- રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાના પ્રશ્ન પર વિરાટે આપ્યો વળતો જવાબ
- વિરાટે ચોખ્ખું કહી દીધું કે, કોઈ વિવાદ ઉભો કરવો હોય તો પહેલા જ કહી દો
દુબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ મેચ રમાઈ હતી, જેમાં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી ગયું હતું. આ સાથે જ પાકિસ્તાને 29 વર્ષથી ચાલતો આવતા ઈતિહાસને બદલી કાઢ્યો હતો. પાકિસ્તાનના પહેલા જ બે ઓપનરે સમગ્ર સ્કોર ચેઝ કરીને ટીમને જીતાડી દીધી હતી.
વિરાટે પાકિસ્તાની પત્રકારોનો ક્લાસ લીધો
આ મેચ પછી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં એક પાકિસ્તાની પત્રકાર વિરાટ કોહલીને જેવાતેવા પ્રશ્નો પૂછવા લાગ્યા હતા. એક પત્રકારે તો એમ પણ પૂછી લીધું કે, શું રોહિત શર્માને આ મેચથી બહાર ન કરી શકાત. તો તેનો વળતો જવાબ આપતા વિરાટે કહ્યું હતું કે, રોહિત શર્માને ટીમથી બહાર કાઢી શકાય તેવું તમે કઈ રીતે વિચારી શકો. સાથે જ વિરાટે કહ્યું હતું કે, તમારે કોઈ વિવાદ ઉભો કરવો છે તે પહેલા જ જણાવી દો. વિરાટે પણ પાકિસ્તાની પત્રકારોનો ક્લાસ લઈને તેમની બોલતી બંધ કરી દીધી હતી.
આ પણ વાંચો-IND VS PAK T20 World Cup 2021 Live: પાકિસ્તાને ભારતને હરાવ્યું, બાબાર-રિજવાન પડ્યા ભારે
યોગ્ય રણનીતિ અમલ ન કરી શકવાના કારણે મેચ હાર્યાઃ વિરાટ કોહલી
પાકિસ્તાની પત્રકારે જણાવ્યું હતું કે, ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્માથી સારો વિકલ્પ હોઈ શકે છે. આ પ્રશ્ન પર વિરાટે પોતાનું માથું પકડી લીધું હતું. વિરાટે જવાબમાં કહ્યું હતું કે, શું તમે રોહિત શર્માને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમથી બહાર કરી શકો છો. એ જાણતા કે, તેણે છેલ્લી મેચમાં અમારા માટે શું કર્યું છે. વિરાટે વધુમાં કહ્યું હતું કે, વિશ્વાસ નથી આવતો. જો તમને કોઈ વિવાદ ઉભો કરવો છે તો પહેલા જ જણાવી દો. વિરાટે કહ્યું હતું કે, અમે યોગ્ય રણનીતિનો અમલ ન કરી શક્યા. આનો શ્રેય ઝાકળ અને પાકિસ્તાનના બોલર્સને જાય છે. તેણે બોલિંગની શાનદાર શરૂઆત કરી અને 20 રન પર ત્રણ વિકેટ પડવાથી અમારી શરૂઆત સારી ન રહી.