ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુદ્ધના ધોરણે કોરોના રસીકરણ

છેલ્લા એક વર્ષથી સમગ્ર દુનિયાને ધ્રૂજાવી રહેલી કોવીડ-19 મહામારી હજીય ઘણા દેશોમાં દરિયાનાં મોજાંની જેમ ફરી ફરીને ઉછળ્યા કરે છે. છેલ્લી 3 સદીની સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયેલા ગ્રેટ બ્રિટનમાં રોગચાળો માથું ઊંચકતો રહ્યો છે. ગ્રેટ બ્રિટનમાં અત્યાર સુધીમાં દોઢ કરોડ લોકોને રસી આપી દેવામાં આવી છે. આમ છતાં લૉકડાઉનમાં કોઈ છૂટ આપવા માટે સરકાર તૈયાર નથી. જર્મની અને ફ્રાન્સ તથા ઇઝરાયલ, નેધરલેન્ડ, પોર્ટુગલ અને વિયેટનામ જેવા દેશોમાં પણ આજેય સરકારે રોચગાળાને કાબૂમાં રાખવા માટે લૉકડાઉનના શરણે જવું પડે છે. આ બધા વચ્ચે ચિંતામાં વધારો કરે તેવી બાબત એ છે કે યુકેમાં જોવા મળેલો કેન્ટ કોવીડ પ્રકારનો વાઇરસ 70 ટકા વધારે ચેપી છે.

covid 19
covid 19

By

Published : Feb 19, 2021, 11:44 AM IST


ભારતમાં 80 લાખથી વધુ લોકોને રસી આપી દેવામાં આવી છે. સાથે જ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દેશના 185 જિલ્લાઓ એવા હતા કે જ્યાં એક પણ નવો કેસ જોવા મળ્યો નહોતો. રોગચાળો હાલમાં મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં જ વધારે જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને કારણે દેશના લોકોમાં જોખમી એવી રોગચાળા પ્રત્યેની બેદરકારી પણ જાગી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આગામી બેથી ત્રણ અઠવાડિયામાં 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ રસી આપવાનું શરૂ કરવામાં આવશે. સાથે જ સરકારે એવી ખાતરી આપી છે કે બીજી 18 પ્રકારની વૅક્સિન પણ દેશમાં જલદી મળતી થઈ જશે. પ્રથમ તબક્કે અગ્ર હરોળમાં રહીને કામ કરતાં 3 કરોડ જેટલા આરોગ્ય કર્મચારીઓને રસી આપવા માટેનો કાર્યક્રમ નક્કી કરાયો હતો.

જોકે મોટી સંખ્યામાં અગ્ર હરોળના કાર્યકર્તાઓ પણ રસી લેવા માટે તૈયાર થયા નહોતા, કેમ કે રસી માટે જોઈએ તેવો વિશ્વાસ બેઠો નથી. અત્યારે જે ગતિએ રસી આપવામાં આવી રહી છે તે રીતે ગણતરી કરીએ તો દેશના ગામડાં સુધી રસી પહોંચતા પાંચ વર્ષ લાગી જશે એવી આઘાતજનક સ્થિતિ છે. વાઇરસના પ્રકારમાં પણ ફેરફાર થઈ રહ્યો છે અને લોકોમાં રસી લેવા માટેની ઉદાસીનતા પણ દેખાવા લાગી છે, ત્યારે બીજી બાજુ એવી સ્થિતિ છે કે કરોડો લોકો જલદી રસી મળે તેના માટે રાહ પણ જોઈ રહ્યા છે. આ વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે તેમાંથી રસ્તો કાઢવાની જરૂર છે.

જીવ બચાવનારી રસીના ઉત્પાદનમાં ભારત દુનિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભારત પાસે આજે એવી પણ સુવિધા અને તંત્ર ઊભું થયેલું છે કે દેશના ખૂણેખૂણે રસી પહોંચાડી શકાય.

ચિંતાજનક બાબત એવી પણ જોવા મળી છે કે પ્રથમ ડોઝ લેનારા લોકોમાંથી 10 ટકા લોકોએ બીજો ડોઝ લેવાની પરવા કરી નથી. તેમને વારંવાર યાદ અપાવાયું કે બે ડોઝ પૂર્ણ કર્યા પછી જ ઇમ્યુનિટી આવે છે, છતાં લોકો 28મા દિવસે બીજો ડોઝ લેવા માટે અનેક લોકો ડોકાયા નથી.

આંકડાં પ્રમાણે જોઈએ તો હજી સુધી દેશના માત્ર 0.6 ટકા લોકોને જ રસી આપી શકાઇ છે. આના પરથી સમજી શકાય તેવું છે કે સમગ્ર દેશમાં રસીકરણ કરવાનું કામ કેટલું મોટું ગંજાવર કામ છે.

સમગ્ર દેશમાં ત્રીજો સિરોલૉજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં જોવા મળ્યું કે દેશની વસતિમાંથી 21.5 ટકા લોકોમાં કોરોના વાઇરસ સામે લડવાની એન્ટીબોડીઝ ઉત્પન્ન થઈ હતી. તેનો અર્થ એ થયો કે દેશની વસતિના માત્ર 25 ટકા લોકોમાં જ ચેપ સામે લડવાની ક્ષમતા આવી છે. પ્રતિકારશક્તિ ના ધરાવતા બાકીના લોકોને રસી આપી દેવી જરૂરી છે.

સમગ્ર દેશની વસતિમાંથી 60થી 70 ટકા લોકોમાં એન્ટીબોડીઝ આવી જાય તે પછી જ હર્ડ ઇમ્યુનિટી આવે છે. આવી સ્થિતિમાં દેશના લોકોને ઝડપથી રસી આપવાનું કામ કરવું તે કેન્દ્ર સરકારની ફરજ બને છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે સૌ કોઈ ચેપ સામે સુરક્ષિત ના થઈ જાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત ગણાય નહિ. આ સલાહને ધ્યાને લઈને કાર્ય કરવું જરૂરી છે. રસીકરણના કાર્યક્રમને ઝડપી બનાવવા માટે ખાનગી હૉસ્પિટલ્સને પણ હવે તેમાં જોડવી જરૂરી છે.

એવું જણાવાઇ રહ્યું છે કે કોવીડ-19ની રસી છ મહિનામાં એક્સપાઇર થઈ જાય છે. તેથી કંપનીઓએ કરોડોની સંખ્યામાં રસી તૈયાર કરી છે તેનો તાત્કાલિક ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. રસીનું ઉત્પાદન, સ્ટોરેજ અને વિતરણ માટેની સુદૃઢ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે, જેથી રસીના કાળા બજાર ના થાય. જરૂરી પ્રમાણમાં રસીનું ઉત્પાદન થાય તે માટે પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. સાથે જ રસીની અસરકારકતા શરૂ ના થઈ જાય ત્યાં સુધી હજીય માસ્ક પહેરવા, અંતર જાળવી રાખવું અને હાથ ધોવા તે સહિતના તકેદારીના નિયમો ચાલુ રાખવા જરૂરી છે.
-

ABOUT THE AUTHOR

...view details