નવી દિલ્હી:નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. વર્ષ 2024માં ચૂંટણી થવાની છે. લોકસભાની ચૂંટણી પહેલાનું આ સૌથી મોટું બજેટ માનવામાં આવે છે. નિર્મલા સીતારામણ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આ વર્ષે પણ નાણાપ્રધાન પેપર લેસ બજેટ રજૂ કરશે. આ માટે તેઓ પોતાની સાથે ટેબ લઈને સંસદમાં પહોંચ્યા હતા. આ ટેબમાંથી સમગ્ર બજેટનું વાંચન કરવામાં આવશે
રાષ્ટ્રપતિએ બજેટને મંજૂરી આપી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિભવન ખાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બજેટની પહેલી કોપી બતાવી હતી. રાષ્ટ્રપતિએ બજેટને મંજૂરી આપી હતી. ત્યારબાદ તેઓ સંસદભવન ખાતે પહોંચ્યા હતા અને કેબિનેટની બેઠકમાં બજેટ 2023-24ને મંજૂરી આપવામાં આવી હતી.
દેશવાસીઓ સૌથી વધારે ઈન્કમ ટેક્સમાં લાભ મળે એવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ કોર્પોરેટર ટેક્સમાં થોડી રાહત આપવામાં આવે તો દેશના ખાનગી સેક્ટરમાં સૌથી મોટો ફેર પડે એમ છે.આ દરમિયાન, તેને નાણાકીય સમજદારી બતાવવાની સાથે ટેક્સમાં કાપ અને સામાજિક સુરક્ષા વધારવા જેવી અપેક્ષાઓને સંતુલિત કરવાના પડકારનો સામનો કરવો પડશે. આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા આ છેલ્લા પૂર્ણ બજેટ દ્વારા સરકાર લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ પણ કરી શકે છે.
પડકારોનો સામનો:સીતારમણ પોતાનું પાંચમું બજેટ એવા સમયે રજૂ કરવા જઈ રહી છે જ્યારે અર્થવ્યવસ્થા વૈશ્વિક અને સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવાના મુશ્કેલ પડકારોનો સામનો કરી રહી છે. બજેટ પહેલા ઉદ્યોગ સંગઠનો અને હિત જૂથો સાથે ચર્ચા દરમિયાન ઉઠાવવામાં આવેલી માંગણીઓમાં આવકવેરાના સ્લેબમાં ફેરફારની માંગ મુખ્ય રહી છે. તેનાથી મધ્યમ વર્ગને રાહત મળી શકે છે. તે જ સમયે, ગરીબો પર જાહેર ખર્ચ વધારવાની સાથે ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાના પગલાંની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.