મુંબઈ : 'ભગવાન રામ માંસાહારી છે' એવી ટિપ્પણી કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાદ વિરુદ્ધ મુંબઈ અને પાલઘર જિલ્લામાં ત્રણ FIR નોંધવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. આવ્હાદ, NCPના શરદ પવાર જૂથનો એક ભાગ છે, થાણે જિલ્લાના મુંબ્રા-કાલવા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. મહારાષ્ટ્રના મંત્રી રહેલા અવ્હાદની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના અધિકારી ગૌતમ રાવરિયાની ફરિયાદ પર શુક્રવારે રાત્રે (મુંબઈમાં) MIDC પોલીસ સ્ટેશનમાં આવ્હાદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
નિવેદન પછી કેસ નોંધવામા આવ્યા : ફરિયાદીએ કહ્યું કે તેણે એક ન્યૂઝ ચેનલ પર અવ્હાદને ભગવાન રામ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતા સાંભળ્યા હતા. તેમણે કહ્યું કે આવ્હાદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295A (કોઈપણ ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરીને કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવાના હેતુથી ઈરાદાપૂર્વકનું અને દૂષિત કૃત્ય) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ભાજપના ધારાસભ્ય રામ કદમની ફરિયાદ પર શનિવારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં સમાન આરોપો પર બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ, સ્થાનિક વેપારીની ફરિયાદ પર થાણેના નવઘર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.