- પરિવારજનો સગીરાને શોધવા નીકળ્યા તો ત્રણેય ખેતરમાંથી મળી
- પરિવારજનો ત્રણેય સગીરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા
- સગીરાઓ સાથે અનિચ્છનીય ઘટના ઘટી હોવાની સ્થાનિકોને શંકા
ઉન્નાવઃ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં બુધવારે ઘાસ લેવા નીકળેલી ત્રણ સગીરા સાંજ સુધી ઘરે પરત ફરી ન હતી. જ્યારે પરિવારજનો ત્રણેયને શોધવા નીકળ્યા ત્યારે ત્રણેય સગીરા ખેતરમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવી હતી.જે બાદ પરિવારજનોએ તાત્કાલિક ત્રણેયને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ડોક્ટરોએ બે સગીરાને મૃત જાહેર કરી હતી. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને જિલ્લા હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. ત્રણેય કિશોરી ઉન્નાવના અસોહા વિસ્તારની છે.
બે સગીરાના મોત, એકની હાલત ગંભીર
પરિવારજનોએ જણાવ્યું હતું કે, ત્રણેય સગીરા એક દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ સગીરાઓને અસોહાના સામુહિક આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ બેને તો મૃત જાહેર કરી હતી. જ્યારે એક સગીરાની હાલત ગંભીર હોવાથી તેને ઉન્નાવની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બબુરા ગામના પોલીસ વડા પણ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી સંપૂર્ણ વિસ્તારને છાવણીમાં ફેરવી દીધું હતું.