- બજેટ સત્રમાં અનેક નવા બીલ પસાર કરવામાં આવશે
- સંસદ ભવનમાં શરૂ કરાયું વેક્સિનેશન સેન્ટર
- પેટ્રોલ-ડીઝલના ભાવ પર સંસદમાં હોબાળો
નવી દિલ્હીઃ સંસદમાં આજે બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે ચર્ચા કરી હતી. ત્યારે ચર્ચાને બદલે હોબાળો થતાં હાલ રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી છે. બજેટ સત્ર દરમિયાન સરકારે ઘણા બીલને આ સત્રમાં પસાર કરવા માટે સૂચિ બનાવી છે. આમાં પેન્શન વિધિ નિયામક અને વિકાસ સંશોધન બીલ, નેશનલ ફન્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ બેન્ક બીલ, વિદ્યુત (સંશોધન) બીલ, ક્રિપ્ટો કરન્સી અને ઓફિશિયલી ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બીલનો સમાવેશ કરાશે. આ બજેટ સત્રનો પહેલો તબક્કો 29 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો.
રાજ્યસભામાં ભાજપના ત્રણ નવા સભ્યોએ શપથ લીધા
- રાજ્યસભામાં ભાજપના ત્રણ નવા સભ્યોએ શપથ લીધા હતા જેમાં બે ગુજરાત અને એક આસામના છે.
- બજેટ સત્રના બીજા ચરણના પ્રથમ દિવસની કાર્યવાહીમાં ભાજપના વિશ્વજીત દેમારીએ શપથ લીધા હતા તેમણે આસમિયા ભાષામાં શપથ લીધા હતા.
- ઉપલા ગૃહમાં ગુજરાતમાંથી ચૂંટાયેલા દિનેશચંદ્ર જેમલભાઇ અણવાડિયાએ સંસ્કૃતમાં શપથ લીધા હતા.
- ગુજરાતમાંથી જ ભાજપના ટિકિટ પર ચૂંટાયેલા રામભાઇ હરજીભાઇ મોકરીયાએ પણ ઉપલા ગૃહના સભ્યપદના શપથ લીધા હતા. તેમણે હિન્દીમાં શપથ લીધા.
આવતીકાલથી બુઝુર્ગ સાંસદોનું વેક્સિનેશન થશે
સંસદ ભવન પરિસરમાં કોવિડ વેક્સિનેશન કેન્દ્રની સ્થાપના કરાઈ છે. મંગળવારથી આ કેન્દ્રમાં 60 વર્ષથી વધુ વયના સાંસદોનું વેક્સિનેશન કરાશે. રાજ્યસભાના 62 ટકા તો લોકસભાના 36 ટકા સાંસદોની ઉંમર 60 વર્ષથી વધુ છે.
આ પણ વાંચો :અલંગ શિપબ્રેકિંગ યાર્ડના વિકાસ માટે 2019ના કાયદાનો અમલ કરો: શક્તિસિંહ ગોહિલ