રાયપુર:છત્તીસગઢમાં આજે (7 નવેમ્બરે) પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, 9 વાગ્યા સુધીમાં 9.93 ટકા મતદાન નોંધાયું છે. છત્તીસગઢની 90માંથી 20 બેઠકો પર અલગ-અલગ સમયે મતદાન યોજાઈ રહ્યું છે. નક્સલ પ્રભાવિત અને સંવેદનશીલ મતદાન કેન્દ્રોમાં સવારે સાત વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલું રહેશે. પ્રથમ તબક્કાની 20 બેઠકો માંથી ઘણી બેઠકો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં છે. રાજનાંદગાંવ ડિવિઝન પછી બસ્તર ડિવિઝન સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. ચૂંટણી પહેલા બસ્તરના કાંકેર અને નારાયણપુરમાં પણ નક્સલવાદી હિંસા થઈ છે. જેમાં બે સુરક્ષા કર્મીઓ અને બે મતદાન કર્મીઓ ઘાયલ થયા હતા. બસ્તરમાં દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં, હેલિકોપ્ટર દ્વારા મતદાન કેન્દ્રો પર મતદાન ટીમો મોકલવામાં આવી છે.
ભાજપની શાખ દાવ પર: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપની શાખ દાંવ પર લાગેલી છે. જે 20 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાંથી માત્ર રાજનાંદગાંવની એક બેઠક પર જ ભાજપ તરફથી પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમન સિંહ ધારાસભ્ય છે. બાકી બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્ય છે.