નવી દિલ્હી:તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ એ રેવન્ત રેડ્ડીને પાર્ટી ધારાસભ્ય દળના નેતા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનશે. રેવન્ત રેડ્ડીનો શપથ ગ્રહણ સમારોહ 7 ડિસેમ્બરે યોજાશે. રેવન્ત રેડ્ડીના નામની જાહેરાતના થોડા સમય પહેલા કોંગ્રેસના તેલંગાણા યુનિટના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું હતું કે તેઓ પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે. જો કે, જ્યારે કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રેવંત રેડ્ડીના નામની જાહેરાત કરી ત્યારે તેમની સાથે ઉત્તમ કુમાર રેડ્ડી પણ હાજર હતા.
વેણુગોપાલે કહ્યું, 'ગઈકાલે હૈદરાબાદમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ધારાસભ્ય દળના નેતા નક્કી કરવા માટે થઈ હતી. તે બેઠકમાં નિરીક્ષકો હાજર હતા...વિધાનમંડળ પક્ષે કોંગ્રેસ અધ્યક્ષને ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે અધિકૃત કરતો ઠરાવ પસાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજે રાજ્યના પ્રભારી માણિક રાવ ઠાકરે અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને નિરીક્ષક ડીકે શિવકુમારે ખડગેને રિપોર્ટ સોંપ્યો હતો.