જમ્મુઃકઠુઆ જિલ્લામાં ધોરણ-10માં ભણતા વિદ્યાર્થીએ ક્લાસરૂમના બોર્ડ પર ધાર્મિક સૂત્ર લખ્યું હતું. શિક્ષકને જાણ થતાં જ તેમણે વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. આ કિસ્સામાં શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. રાજકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના આચાર્ય દ્વારા પણ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જોકે આ શાળાના આચાર્ય હાલ ફરાર છે. સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ 25 ઓગસ્ટે બાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Jammu-Kashmir Crime News:ધાર્મિક સૂત્રો લખવા મુદ્દે શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યો, શિક્ષકની ધરપકડ કરાઈ
જમ્મુ-કાશ્મીરના કઠુઆની સરકારી શાળામાં શિક્ષકે ક્લાસરૂમના બોર્ડ પર ધાર્મિક સૂત્ર લખનાર વિદ્યાર્થીને માર્યો. આ મામલે શિક્ષકની ધરપકડ થઈ છે. શાળાના આચાર્ય ભૂગર્ભમાં ઉતરી ગયાની માહિતી સામે આવી છે.
Published : Aug 28, 2023, 12:27 PM IST
વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શનઃ ઘાયલ વિદ્યાર્થીની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કઠુઆના ડેપ્યુટી દ્વારા ત્રણ સભ્યોની કમિટિ બનાવવામાં આવી છે. જેમાં બાનીના ઉપમંડળ મેજિસ્ટ્રેટ, કઠુઆના મુખ્ય શિક્ષણ અધિકારી અને ખરોટની રાજકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના હેડ પ્રિન્સિપાલનો સમાવેશ થાય છે. આ સમિતિને બે દિવસમાં સમગ્ર મામલે વિશેષ માહિતી સાથેનો રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. તેમજ ધરપકડ કરાયેલા શિક્ષક મુદ્દે જવાબદારી નક્કી કરી આ મામલો આગળ વધારવાની સૂચના અપાઈ છે.
શિક્ષકની ધરપકડ કરાઈઃ25 ઓગસ્ટે કુલદીપ સિંહે પોલીસને ફરિયાદ કરી કે તેમના દીકરાને શિક્ષક ફારુક અહમદ અને શાળા આચાર્ય મોહમ્મદ હાફિઝે માર માર્યો હતો. આ સમગ્ર મામલો કિશોર ન્યાય અધિનિયમની કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. બાનીના પોલીસ સ્ટેશનના એસએચઓ(SHO)ની આગેવાનીમાં એક ટીમે શાળાની મુલાકાત લીધી હતી અને શિક્ષકની ધરપકડ કરી હતી. શાળાના આચાર્ય ફરાર છે અને તેમની ધરપકડ માટે પોલીસ શોધખોળ કરી રહી છે. (પીટીઆઈ)